ઘઉં પરની આયાત ડ્યૂટી ત્રણ મહિના લંબાવાની શક્યતા

નવી દિલ્હી: ઘઉં પર લાદવામાં આવેલી ૨૫ ટકા આયાત ડ્યૂટીની મુદત ૩૧ માર્ચે પૂરી થઇ રહી છે. આ આયાત ડ્યૂટી આગામી ત્રણ મહિના-જૂન સુધી વધારવામાં આવી શકે છે. ઘઉંનો નવો પાક અાવવાની તૈયારીમાં છે ત્યારે નવો પાક આવે ત્યાં સુધી ફૂડ મિનિસ્ટ્રીએ ઘઉં પર ૨૫ ટકા આયાત ડ્યૂટી ચાલુ રાખવાની ભલામણ કરી છે.

દરમિયાન જાણકારોના જણાવ્યા પ્રમાણે સસ્તા ઘઉંની આયાત રોકવા માટે સરકાર દ્વારા પાછલા વર્ષે ઓગસ્ટ મહિનામાં ઘઉંની આયાત પર ૧૦ ટકા આયાત ડ્યૂટી લગાવવામાં આવી હતી, જેને ઓક્ટોબરમાં વધારીને ૨૫ ટકા કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંના ઊંચા ઉત્પાદનના કારણે ઘઉંના ભાવ ઘટી ગયા હતા, જેના કારણે ભારતીય ફ્લોર મિલોએ સ્થાનિક બજારમાંથી ઘઉંની ખરીદી કરતાં વિદેશી બજારમાંથી ઘઉંની ખરીદી કરવી વધુ સસ્તી પડે છે. વધતી જતી આયાત રોકવા સરકારે આયાત ડ્યૂટી વધારી છે ત્યારે હવે સરકાર દ્વારા ઘઉં પરની આયાત ડ્યૂટી ત્રણ મહિના વધુ વધારવામાં આવે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે સરકારને ઘઉંનું ઉત્પાદન ૮.૪ ટકા વધવાનો અંદાજ છે, પરંતુ ચાલુ વર્ષના ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં દેશનાં કેટલાંક રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ઘઉંના પાકને નુકસાન થયું છે ત્યારે સરકાર ઘઉં પરની આયાત ડ્યૂટી ત્રણ મહિના વધુ વધારે તેવી શક્યતા છે.

You might also like