ઈમ્પેકટ ફીઃ અાવતી કાલથી બે દિવસીય લોક દરબાર યોજાશે

અમદાવાદ: ગેરકાયદે બાંધકામોની ઇમ્પેકટ ફી યોજના આગામી૧૮ મેએ પૂર્ણ થાય છે. ઇમ્પેકટ ફી યોજના અંતર્ગત જે અરજદારોની અરજીનો પુરાવાના અભાવે નિકાલ થયો નહીં હોય તેવા અરજદારો માટે કોર્પોરેશન દ્વારા આવતી કાલથી તમામ ઝોનલ કચેરીએ બે દિવસીય લોક દરબાર યોજાશે.

પશ્ચિમ ઝોનમાં ઉસ્માનપુરા ખાતે આવેલ ડો.રમણભાઇ પટેલ ભવન, નવા પશ્ચિમ ઝોનમાં બોડકદેવની રાજમાતા વિજ્યા માતા સિંધિયા ભવન, મધ્ય ઝોનમાં દાણાપીઠની સરદાર પટેલ ભવન, ઉત્તર ઝોનમાં મેમ્કો ચાર રસ્તા પાસેનું રાજીવ ગાંધી ભવન, દ‌િક્ષણ ઝોનમાં મણિનગર રામબાગનું ડો.શ્યામપ્રસાદ મુખરજી ભવન અને પૂર્વ ઝોનમાં વિરાટનગર ચાર રસ્તા પાસેનું હરુભાઇ મહેતા ભવન એમ તમામ ઝોનલ કચેરીએ તા.ર૮ અને ર૯ એપ્રિલે લોકદરબારનું આયોજન કરાયું છે. તંત્ર સમક્ષ આવેલી ર.૪૩ લાખથી વધુ અરજીઓ પૈકી ગત તા.રપ એપ્રિલ ર૦૧૬ની સ્થિતિએ ૧.ર૬ લાખ બાંધકામને ઇમ્પેકટ ફી લઇને નિયમિત કરાયા છે. જેનાથી મ્યુનિ. તિજોરીને રૂ.૩૦૪.૩૩ કરોડથી વધુની આવક થઇ હતી. મ્યુનિ. સત્તાવાળાઓએ કુલ ૧,૦૦,પ૦૭ અરજીને દફતરે કરી છે.

દરમિયાન આગામી તા.ર૯ એપ્રિલે નિકોલકાંડ માટે ખાસ બોર્ડ અને ત્યાર બાદ નિયમિત બોર્ડ થશે. ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરનો તે દિવસે બપોરના ૩-૦૦ વાગ્યાથી દાણાપીઠ ખાતે વ્યસ્ત રહેશે. એટલે કે લોક દરબારના બીજા દિવસે પોતાના વોર્ડના અરજદારોને પૂરતો સમય નહીં આપી શકે. જેના કારણે કેટલાક કોર્પોરેટરોમાં લોક દરબારના સમયપત્રક સામે છૂપો ગણગણાટ જોવા મળ્યો છે.

You might also like