ઉલટી ગંગાઃ ઇમ્પેક્ટ ફી હેઠળ નિયમિત બાંધકામોની સંખ્યા છ મહિનામાં ઘટી!

અમદાવાદ: અમદાવાદમાં ગેરકાયદે બાંધકામોની સમસ્યા દિન-પ્રતિદિન વિકરાળ બનતી જાય છે. મેયર, કમિશનરની ઓફિસ ધરાવતી ખમાસા દાણાપીઠ ખાતેના મ્યુનિસિપલ મુખ્યાલયની આસપાસ જ બિનઅધિકૃત બાંધકામોના રાફડા ફાટી નીકળ્યા છે. રાજ્ય સરકારની ઇમ્પેક્ટ ફી યોજનાને પણ ધાર્યાે પ્રતિસાદ મળ્યો નથી. ઇમ્પેક્ટ ફી હેઠળ છ મહિના પહેલાં નોંધાયેલાં નિયમિત બાંધકામોની સંખ્યામાં છ મહિના બાદ સ્વાભાવિકપણે વધારો થવો જોઇએ તેના બદલે આશ્ચર્યજનક રીતે ૧૭૧૮નો ઘટાડો નોંધાયો છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી ઇમ્પેક્ટ ફી યોજના હેઠળ તંત્ર સમક્ષ આવેલી કુલ ર,૪૩,૧૦પ અરજીના નિકાલની છેલ્લી તારીખ આગામી ૩૧ માર્ચ છે. દરમ્યાન ઇમ્પેક્ટ ફી યોજના હેઠળ તંત્ર દ્વારા ૧.૧૭ લાખથી વધુ અરજીને ફગાવ્યાનો પણ વિવાદ ઊઠ્યો છે. આની સાથે-સાથે નિયમિત કરાયેલાં બાંધકામની કુલ સંખ્યા પણ વિવાદગ્રસ્ત બની છે. તંત્ર દ્વારા અગાઉ ઓક્ટોબર, ર૦૧૬માં ૧,ર૭,૯૦૮ બાંધકામને નિયમિત જાહેર કરાયાં હતાં. તે વખતે તંત્રના ચોપડે રૂ.૩ર૯.પ૧ કરોડ આવક નોંધાઇ હતી તેમજ ૧,૦૦,૬૬૧ અરજી ફગાવી દેવાઇ હતી.

જ્યારે તા.ર૦ ફેબ્રુઆરી, ર૦૧૭ની સ્થિતિએ ઇમ્પેક્ટ ફી હેઠળ તંત્રે રૂ.૩૪૬.૧૮ કરોડ આવક મેળવી હતી, ૧.૧૭ લાખથી વધુ અરજીને ફગાવી હતી જ્યારે ૧,ર૬,૧૯૦ બાંધકામને નિયમિત કર્યાં હતાં. હવે જે બાંધકામને નિયમિત કરેલાં દર્શાવ્યાં છે તેને લઇને વિવાદ ઊઠ્યો છે, કેમ કે ઓક્ટોબર, ર૦૧૬થી ફેબ્રુઆરી, ર૦૧૭ સુધીના સમયગાળામાં જે પ્રકારે મ્યુનિસિપલ તિજોરીની આવક, ફગાવાયેલી અરજીની સંખ્યા વધી તેવી જ રીતે નિયમિત બાંધકામની સંખ્યા પણ વધવી જોઇએ. આના બદલે નિયમિત બાંધકામની સંખ્યા આશ્ચર્યજનક રીતે ઘટી છે.
http://sambhaavnews.com/

You might also like