ઈમ્પેક્ટ ફીના ૨૦ હજાર કેસ રિઓપન નહીં થાય

અમદાવાદ: ગેરકાયદે બાંધકામોને ઇમ્પેકટ ફી લઇને કાયદેસર કરવાની યોજના એક પ્રકારે નિષ્ફળ જ નિવડી છે. કોર્પોરેશન સમક્ષ આવેલી ર,૪૩,૧૦પ અરજીઓ પૈકી ૧,૦૦,ર૯૦ અરજીને ફગાવી દેવાઇ છે. જે પૈકી ર૦ હજારથી વધુ અરજી પૂરતા પુરાવાના અભાવે નામંજૂર કરાઇ છે. આવી તમામ અરજી તંત્ર માટે ‘ભૂતકાળ’ બની છે કેમકે સત્તાધીશો પૂરતા પુરાવા વગરની અરજીઓને ફરીથી ચકાસણી હેઠળ લેવા તૈયાર નથી.

ગત તા.૧૮મી ફેબ્રુઆરી, ર૦૧૬એ સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી યોજનાની મુદતમાં ત્રણ મહિનાનો વધારો કરાયો હતો. આ યોજના હેઠળ અરજીઓનો નિકાલ આગામી તા.૧૮મી મે ર૦૧૬ સુધી કરાશે. પરંતુ ખુદ તંત્ર અરજીઓના નિકાલના મામલે ઉદાસીન છે. યોજનાની મુદ્દત પૂર્ણ થવાના છેલ્લા દિવસોમાં જ કોર્પોરેશન ‘લોકદરબાર’ યોજવાનાં ગતકડાં હાથ ધરે તેમ લાગી રહ્યું છે. પરિણામે અનેક સાથે અન્યાય થવાની ભીતિ સર્જાઇ છે.

આમ તો જે એક લાખથી વધારે અરજીઓને ફગાવી દેવાઇ છે તેમાંની વીસ હજારથી વધુ અરજીઓ પૂરતા પુરાવા વગરની હતી. આગામી દિવસોમાં આવી અરજીઓના નિકાલની શકયતા પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. ઇમ્પેકટ ફીનો હવાલો સંભાળતા પશ્ચિમ ઝોનના ડે.કમિશનર આર.બી. બારડ કહે છે જે અરજદારોએ પોતાની અરજીના સંદર્ભમાં તંત્ર સમક્ષ પૂરતા પુરાવા રજૂ કર્યા નથી તેમજ તેના આધારે આ અરજદારોની અરજીને નામંજુર કરાઇ છે તેવા તમામ અરજદારોની અરજીને રિઓપન કરવાની કોઇ શકયતા નથી. આ ઉપરાંત હાઉસિંગ બોર્ડનાં મકાનોનાં સંદર્ભમાં બોર્ડ ઓથોરિટીની એનઓસી વગરના ૬પ૦૦ જેટલા કેસ છે. આ કેસને પણ નામંજૂર કરાશે. લિફટની સંદર્ભમાં પણ પપ૦થી વધુ અરજીઓનો નિકાલ કરવા શકય નથી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

દરમિયાન ટીડીઓ અને ગ્રૂડા સેલ વિભાગનાં સૂત્રો કહે છે, હજુ સુધી તંત્ર દ્વારા તેમણે સીટના લોકદરબાર યોજનાની કોઇ સૂચના અપાઇ નથી એટલે ૧૮મી મે, ર૦૧૬ની અંતિમ તારીખના ચાર પાંચ દિવસ અગાઉ લોકદરબાર યોજાય તેમ લાગે છે. તે વખતે પણ અરજદારોની બાકી અરજીનો ઉતાવળે નિર્ણય લેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, લોક દરબારો વહેલા યોજવાની શાસકોની સૂચનાને પણ તંત્ર દ્વારા કાને ધરાઇ નથી!

દરમિયાન ટીડીઓ વિભાગના સૂત્રો કહે છે કે મુદ્દત દરમિયાન જે અરજદારોની પ્રોપર્ટી ટેક્સની બાકી રકમ ભરપાઈ થઈ ગઈ હોય કે જેમને ફાયરસેફ્ટીની એનઓસી મળી ગઈ હોય કે ૭-૧૨ની નકલ વગેરે પુરાવા મળ્યા હોય તો તેવા કેસને તંત્ર રિઓપન કરીને ફરીથી ઈમ્પેક્ટ ફી યોજના હેઠળ અા અરજદારોની અરજીને વિચારણા હેઠળ લેશે.

You might also like