લો બોલો, ઈમ્પેકટ ફીની અરજી ન કરનારને કોર્પોરેશને રિજેક્શનની નોટિસ ફટકારી!

અમદાવાદઃ ઇમ્પેકટ ફીના કાયદા અંગે મ્યુનિ. કોર્પોરેશનના તંત્રની જડતાથી શહેરના હજારો નાગરિકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ખુદ તંત્રે આશરે ઇમ્પેકટ ફીને લગતી ૪૦ ટકા અરજીને રદબાતલ કરાયાની કબૂલાત કરી છે, પરંતુ જે તે અરજદારે ઇમ્પેક્ટ ફી અંતર્ગત અરજી કરી હોય તેવા અરજદારોને સત્તાવાળાઓએ એક અથવા બીજા બહાના હેઠળ હેરાન કર્યા છે. જે નાગરિકે કોઇ અરજી જ નથી કરી તેવા નાગરિકને પણ હાસ્યાપદ રીતે રિજેક્શનની નોટિસ ફટકારાઇ છે.

મ્યુનિ. સત્તાધીશો જે અરજદારની અરજીમાં ઇમ્પેકટ ફીના કેસના મામલે અનધિકૃત બાંધકામને કાયદેસર ન ગણે તેવા અરજદારોને નમૂનો-૬ હેઠળ અનધિકૃત વિકાસને નિયમિત કરવાનો ઇનકાર કરતો હુકમ એટલે કે નોટિસની બજવણી કરે છે. જે તે ઝોનના નાયબ નગર વિકાસ અધિકારી બીપીએમસી એકટની કલમ-૬ની પેટાકલમ (૪)ની જોગવાઇઓ હેઠળ અનધિકૃત બાંધકામને નિયમિત કરવાનો ઇન્કાર કરતી નોટિસ ફટકારે છે. તંત્રની રિજેકશનની નોટિસથી નારાજ અરજદાર આવી નોટિસ મળ્યાની તારીખથી ૬૦ દિવસની મુદતની અંદર ગાંધીનગરની ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેકટરને અપીલ કરી શકે છે. આ પ્રકારની અપીલ દાખલ કર્યાની તારીખથી ૧પ દિવસની અંદર નારાજ અરજદારે ૧પ દિવસમાં કોર્પોરેશનના સંબંધિત અધિકારીને પણ જાણ કરવાની રહે છે.

જોકે શહેરના તાવડીપુરા વિસ્તારના સંજય આર. પટેલને તંત્રનો કડવો અનુભવ થયો છે. સંજયભાઇએ કોર્પોરેશનમાં ઇમ્પેકટ ફી હેઠળ કોઇ અરજી જ કરી નહોતી તેમ છતાં મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા રિજેકશનની નોટિસ ફટકારી દેવાઇ છે.

આ નાગરિક તો તંત્રની નોટિસ જોઇને સ્તબ્ધ બન્યા છે. ખરેખર તો તેમની આસપાસના કોઇ અરજદારે મધ્ય ઝોનમાં અરજી કરી હતી, જોકે આ ઉદાહરણથી કોર્પોરેશન ઇમ્પેકટ ફી મામલે કેટલું ગંભીર છે તે જણાઇ આવે છે.

બે દિવસ પહેલાં જ ચાર્જ સંભાળ્યો છેઃ રમેશ દેસાઇ
ઉત્તર ઝોનના એસ્ટેટ ઓફિસર અને મધ્ય ઝોનના ઇન્ચાર્જ એસ્ટેટ ઓફિસર રમેશ દેસાઇ કહે છે કે મારી પાસે બે દિવસ પહેલાં જ મધ્ય ઝોનની વધારાની જવાબદારી આવી છે. મેં બે દિવસ પહેલાં જ ચાર્જ સંભાળ્યો હોઇ આ અંગે વધુ વિગત આપી શકું તેમ નથી.

You might also like