ઇમ્પેક્ટ ફીની ૪૦ ટકા અરજીને તંત્રે કચરા ટોપલીમાં ફેંકી દીધી

અમદાવાદ: અમદાવાદમાં ગેરકાયદે બાંધકામોની સમસ્યાના નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં મુકાયો છે, પરંતુ ઇમ્પેક્ટ ફીમાં કોર્પોરેશનના જડ વલણનો ભોગ શહેરીજનો બન્યા છે. રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદે બાંધકામોને ઇમ્પેક્ટ ફી વસૂલીને નિયમિત કરવા છેક ચાર વર્ષ પહેલાં નિયમો પ્રસિદ્ધ કરાયા હતા. ગત તા. ૧૮ ફેબ્રુઅારી, ૨૦૧૨અે ઇમ્પેક્ટ ફીનાં ધારાધોરણો અમલમાં મુકાયા હતા. ત્યારબાદ ગત તા. ૪ જૂન, ૨૦૧૨અે રાજ્ય સરકારે ફીનાં ધોરણોમાં સહેજ સુધારો કર્યો હતો, પરંતુ અા ફીનાં ધોરણો પણ સામાન્ય નાગરિકો માટે બહુ અાકરાં હોઈ ફરીથી ગત તા. ૧૭ અોગસ્ટ, ૨૦૧૨અે જાહેરનામું પ્રસિદ્ધ કરીને રાજ્ય સરકારે ફીના ધોરણમાં વધુ સરળતા કરી અાપી હતી.

ઇમ્પેક્ટ ફીની અરજીના નિકાલ માટેની સમયાવધિમાં વખતોવખત વધારો કરીને હવે અાગામી તા. ૧૮ ફેબ્રુઅારી, ૨૦૧૬અે અા સમયાવધિનો અંતિમ દિવસ છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા અમદાવાદ સહિત રાજ્યનાં તમામ અાઠ કોર્પોરેશનમાં ગત તા. ૨૦ ફેબ્રુઅારી, ૨૦૧૨થી ઇમ્પેક્ટ ફી કાયદાનો ગ્રુડા એક્ટ ૨૦૧૧ અમલમાં પણ મૂકી દેવાયો, પરંતુ અમદાવાદમાં ઇમ્પેક્ટ ફીના કાયદાના અમલીકરણના મામલે તંત્રનું વલણ જડ પુરવાર થયું છે.

કોર્પોરેશનમાં ગેરકાયદે બાંધકામો માટેની ગત તા. ૨૮ માર્ચ, ૨૦૧૧ની ‘કટ અોફ ડેટ’ના અાધારે જે તે સમયે અાશરે પાંચ લાખ ગેરકાયદે બાંધકામો હતાં, પરંતુ તંત્ર સમક્ષ ફક્ત ૨.૪૩ લાખ અરજીઅો અાવી હતી એટલે કે ૫૦ ટકા અનધિકૃત બાંધકામ ધરાવનારાઅોએ અરજી કરવાનું ટાળ્યું હતું, કેમ કે તે વખતે અાવાં બાંધકામ ધરાવનારાઅોમાં જો કોર્પોરેશન અરજી જડતા દાખવીને ફગાવી દેશે તો પછી શું થશે?નો ફફડાટ જોવા મળ્યો હતો.

મ્યુનિ. સત્તાવાળાઅોનું જડવાદી વલણ ઇમ્પેક્ટ ફીની અાવેલી કુલ ૨.૪૩ લાખ અરજીઅોના નિકાલના મામલે પણ શહેરીજનોની અાંખે ઊડીને વળગ્યું છે, કેમ કે સત્તાધીશોઅે કુલ ૩૦ ટકા અરજીને રદબાતલ ગણીને અભરાઈઅે ચઢાવી દીધી છે.

ઇમ્પેક્ટ ફીનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિ. કમિશનર અાઈ.કે. પટેલ કહે છે નીતિ નિયમો મુજબ મળવા પાત્ર કાયદેસરતાને તંત્રઅે અાપી જ છે. અેટલે જ નાગરિકોની હેરાનગતિમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. જેના કારણે સરકાર સમક્ષ પણ ઇમ્પેક્ટ ફીની મદદમાં વધારા અંગેની કોઈ માંગણી વિચારણા હેઠળ નથી.

impect-fee-2

ફાયર સેફ્ટી, લિફ્ટ, પાર્કિંગનું ધુપ્પલ ચલાવી અરજદારોને પાછા ધકેલાય છે
મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઅોઅે અરજદારોને હેરાન કરવામાં કોઈ કસર છોડી નથી. તમામ રીતે ગ્રુડા અેક્ટ ૨૦૧૧ના નિયમોમાં અાવતા બાંધકામને કાયદેસર કરવામાં ત્રસ્ત તંત્ર ફાયર સેફ્ટી, લિફ્ટ તેમજ પાર્કિંગના નવા નવા બહાના કાઢીને અરજદારોને પાછા ધકેલાય છે. અાવા ધુપ્પલબાજીના બહાનાથી મ્યુનિ. તિજોરીને કરોડોની અાવક ગુમાવવી પડે છે.

નામંજૂર કરાયેલા ૯૭ હજાર બાંધકામો ઉપર તંત્ર  બુલડોઝર ફેરવશે?
કોર્પોરેશને ગઈ કાલની છેલ્લામાં સ્થિતિ મુજબ ૯૭ હજાર અરજદારોની અરજીને ફગાવી દીધી છે એટલે પ્રાથમિક દૃષ્ટિઅે અોછામાં અોછા ૯૭ હજાર ગેરકાયદે બાંધકામોને ઇમ્પેક્ટ ફી હેઠળ પણ માન્ય ગણ્યા નથી તો શું અાટલો મોટી સંખ્યાના ગેરકાયદે ઉપર તંત્ર બુલડોઝર ફેરવશે તેવો પ્રશ્ન પણ ચર્ચાઈ રહ્યો છે.

You might also like