હું લકી છુંઃ અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા બોલિવૂડના દબંગ સલમાન ખાન સાથે ફિલ્મ ‘સુલતાન’માં કામ કરી રહી છે. ‘સુલતાન’ને લઇને અનુષ્કા ખૂબ ઉત્સાહિત છે. અનુષ્કા આ અગાઉ શાહરુખ અને આમિર ખાન સાથે કામ કરી ચૂકી છે. હવે તે બોલિવૂડના ત્રીજા ખાન સલમાન સાથે કામ કરી રહી છે.

તે કહે છે કે હું ખરેખર લકી છું. મારી કરિયરની શરૂઆત મેં શાહરુખ સાથે કરી. ‘પીકે’માં મને આમિર સાથે કામ કરવાનો મોકો મળ્યો અને હવે હું સલમાન સાથે કામ કરી રહી છું. આજની તારીખમાં તેઓ બોલિવૂડના મોટા સ્ટાર છે. તેમની સાથે કામ કરવાનો અનુભવ ખરેખર અદ્ભુત રહ્યો.

અનુષ્કા ફિલ્મમાં પહેલવાનના રોલમાં જોવા મળશે. તે કહે છે કે હું મારા પાત્રને લઇને ખૂબ જ એક્સાઇટેડ છું, જ્યારે મને મારા રોલ અંગે જણાવવામાં આવ્યું ત્યારે મારા મનમાં ઘણા સવાલ ઊઠ્યા. મને મારા પાત્રને લઇને શંકાઓ હતી. મારે શું વજન વધારવું પડશે, મારો લુક કેવો હશે, હું તે પાત્ર ભજવી શકીશ કે નહીં? પરંતુ જ્યારે મારા કોચ જગદીશ કાલીએ મને ટ્રેનિંગ આપવાની શરૂ કરી ત્યારે મારી અંદર આત્મવિશ્વાસ આવ્યો ને લાગ્યું કે હું આ પાત્ર ખૂબ સુંદર રીતે ભજવી શકીશ.

You might also like