સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ગેરકાયદેસર રેતી ચોરીનું કૌભાંડ

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત રાજ્યવ્યાપી તળાવો અને ડેમો ઊંડા કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી ભોગાવો નદીમાં પણ જળ અભિયાન હેઠળ હાલ કામગીરી ચાલી રહી છે પરંતુ તેને ઊંડું કરવાની આ કામગીરી દરમ્યાન ગેરકાયદેસર રેતીની ચોરી થતી હોવાનું કૌભાંડ પણ બહાર આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા આગામી ચોમાસા દરમ્યાન પાણીનો વધુ સંગ્રહ થઇ શકે તેમજ ભવિષ્યમાં પાણીની વિકટ પરિસ્થિતિ ન સર્જાય તે માટે કરોડો રૂપિયાનાં ખર્ચે જળ સંચય અભિયાનનો રાજ્ય વ્યાપી તારીખ 1લી મેંથી સરકારનાં મંત્રીઓ અને રાજકીય આગેવાનોનાં હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે.

જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તમામ તાલુકાઓમાં ડેમો, નદી, જળાશયો મળીને કુલ 826 જેટલા જળ સંચયનાં રૂપિયા 346.56 લાખનાં ખર્ચે કામ હાથ ધરવામાં આવશે. આ અભિયાનનો પ્રારંભ રાજ્યનાં મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે સાયલા ખાતેથી કરાવ્યો હતો.

ત્યારે વઢવાણ તાલુકામાંથી પસાર થતી ભોગાવો નદીમાં પણ હાલ જળસંચય અભિયાન અંતર્ગત નદીને ઊંડી કરવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ આ કામગીરી દરમ્યાન ટ્રેકટર અને ડમ્પર મારફતે કાઢવામાં આવતી રેતી ગેરકાયદેસર રીતે બારોબાર વેચી દેતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે જયારે નિયમ મુજબ આ રેતી અથવા માટી ખેડૂતોને મફત આપવાની હોય છે.

આમ સરકાર દ્વારા આ યોજના માત્ર દેખાવ પૂરતી હોવાની અને ભૂમાફિયાઓને જાહેરમાં ગેરકાયદેસર રેતી ચોરી કરવા માટેની છૂટ આપવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. જે અંગે સ્થાનિક રહીશો અને આગેવાનોમાં પણ ઉગ્ર રોષ જોવા મળ્યો હતો અને જળ સંચય અભિયાનમાં જિલ્લામાં માત્ર ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોય તેવો આક્ષેપ પણ કરાયો હતો.

જયારે જળસંચય અભિયાન હેઠળ ભોગાવો નદીમાંથી ગેરકાયેદસર રીતે રેતી ચોરી થતી હોવાનું ધ્યાને આવતા શહેરીજનો અને વિપક્ષનાં આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને જાણ કરવામાં આવતી.

વઢવાણ પ્રાંત અધિકારી દ્વારા જિલ્લામાં થતી જળસંચય અભિયાનની કામગીરીનાં નિરીક્ષણ માટે અલગ-અલગ ત્રણ ટીમો બનાવીને જવાબદારી સોંપવામાં આવી છે અને આ કામગીરી દરમ્યાન જિલ્લામાં કોઈ પણ જગ્યાએ ગેરરીતિ કે ભ્રષ્ટાચાર થતો હોવાનું જણાઈ આવશે તો વઢવાણ મામલતદાર દ્વારા કડક પગલાં લેવાની ખાતરી પણ અપાઇ હતી.

જો કે તંત્ર દ્વારા માત્ર કાગળ પર જ અને દેખાવ પૂરતી ટીમો બનાવવામાં આવી હોવાનો અને આ ટીમો દ્વારા પણ કોઈ જ કામગીરી ન થતી હોવાનો આક્ષેપ પણ થઇ રહ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા એક તરફ જળ સંચય અભિયાન પાછળ કરોડો રૂપિયાનાં ખર્ચે વિકાસ અને સુવિધાની વાતો કરવામાં આવે છે. જયારે બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લામાં જળ સંચય અભિયાન હેઠળ ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરીને સરકારી તિજોરીને લાખો રૂપિયાનું નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે.

નિરીક્ષણ માટે ટીમો તો બનાવી છે પરંતુ તેમ છતાંય તંત્રની મીલીભગતથી ગેરકાયદેસર રેતી ચોરી કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

You might also like