હોટલ પ્રાઈડના બેઝમેન્ટ પાર્કિંગમાં ગેરકાયદે ગોડાઉન બનાવી દેવાયું

અમદાવાદ: શહેરના દરેક ચાર રસ્તા પાસે સતત લારી-ગલ્લા સહિતનાં દબાણ વધતાં જાય છે. તંત્ર દ્વારા મુકાતાં ‘નો પાર્કિંગ’નાં બોર્ડથી હાઇકોર્ટ નારાજ છે. આ ઉપરાંત હાઇકોર્ટ દ્વારા રસ્તા પરનાં કોમર્શિયલ બિલ્ડિંગ, હોટલ, રેસ્ટોરાં, હોસ્પિટલ અને મોલ વગેરેનાં પાર્કિંગને ખુલ્લાં કરીને રસ્તામાં આડેધડ પાર્ક કરાતાં વાહનને દૂર કરવાની પણ તંત્રને તાકીદ કરાઇ છે. હાઇકોર્ટની આ તાકીદના પગલે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ગઇ કાલે કાર્યવાહી હાથ ધરીને બોડકદેવ વોર્ડમાં આવેલી હોટલ પ્રાઇડના બેઝમેન્ટના પાર્કિંગના ગેરકાયદે દબાણને જમીનદોસ્ત કર્યું હતું.

હાઇકોર્ટના ટ્રાફિક તેમજ ચાર રસ્તા પાસેનાં દબાણના સંદર્ભે આપેલા દિશાનિર્દેશના આધારે ૧૪ ફેબ્રુઆરી, ર૦૧૮એ મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમારે ખાસ પરિપત્ર નંબર-૬૧ પ્રસિદ્ધ કર્યો હતો. આ પરિપત્રની સૂચના મુજબ શહેરભરમાં જે તે ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદે દબાણને હટાવીને ટ્રાફિકની અવરજવરને સરળ બનાવવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.

ગઇ કાલે નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના સત્તાવાળાઓ જજીસ બંગલા ચાર રસ્તા પાસે આવેલી હોટલ પ્રાઇડમાં ત્રાટક્યા હતા. હોટલના બેઝમેન્ટમાં પાર્કિંગની જગ્યાએ ગેરકાયદે ગોડાઉન બનાવી દેવાયું હતું. એસ્ટેટ વિભાગ દ્વારા પાર્કિંગની જગ્યામાં થયેલા ગેરકાયદે બાંધકામને હટાવીને આશરે ૮૦૦ ચો.ફૂટ જગ્યાને ખુલ્લી મુકાઇ હતી તેમ એસ્ટેટ વિભાગના વડા ચૈતન્ય શાહ જણાવે છે.

તંત્રે થલતેજ ચાર રસ્તાથી હેબતપુર ચાર રસ્તા થઇ હેબતપુર રોડ તથા પક્વાન ચાર રસ્તાથી ઇસ્કોન ચાર રસ્તા સુધીના રસ્તા પરનાં ૧૪ લારી-ગલ્લા, એક ટેમ્પા અને ૩૮૪ પરચૂરણ સામાન જપ્ત કરીને રસ્તા પરનાં દબાણને દૂર કર્યાં હતાં.

You might also like