હવે કોર્પોરેટરોની ‘ભલામણ’ના આધારે ગેરકાયદે બાંધકામ તૂટશે!

અમદાવાદ: શહેરમાંથી ચોમાસાએ હવે વિદાય લઈ લીધી હોઈ ગેરકાયદે બાંધકામોની દિન-પ્રતિદિન વિકરાળ બનતી જતી સમસ્યા તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓનું ધ્યાન કેન્દ્રિત થશે. દેશના સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી ગણાતા અમદાવાદમાં હજુ દાયકા પહેલાં બાર હજારથી વધુ હેરિટેજ મકાન હતાં, પરંતુ ભ્રષ્ટાચારના દૂષણથી આજે માંડ ૨૫૦૦ બચ્યાં છે. ગેરકાયદે બાંધકામોને તોડીને જમીનદોસ્ત કરવાની તંત્રની ઝુંબેશ આગામી દિવસોમાં હાથ ધરાશે, પરંતુ આ વખતે કોર્પોરેટરોની ભલામણના આધારે ગેરકાયદે બાંધકામ તૂટવાનાં હોઈ સત્તાધીશોનું ‘ઓપરેશન ડિમો‌િલશન’ ખાસ નોંધપાત્ર બનશે.

કોટ વિસ્તાર કહો કે નારોલ-નરોડા હાઈવે વિસ્તાર, જુહાપુરા-ફતેહવાડીનો વિસ્તાર, નવા વિસ્તારો કે પછી નવરંગપુરા, નારણપુુરા, પાલડી અને વાસણામાં જૂના બંગલા તોડીને બનતી વિવિધ પ્રકારની સ્કીમ ગણો પણ અમદાવાદભરમાં ગેરકાયદે બાંધકામોએ માઝા મૂકી છે. શાસકો મોટા પાયે ઓપરેશન ડિમો‌િલશન હાથ ધરવા મહિનાઓથી કાગળ પર એસઆરપીની ટુકડીને દોડાવી રહ્યા છે, પરંતુ ક્યારેક હોળી-ધુળેટી, ક્યારેક પરીક્ષા, ક્યારેક ચોમાસું, પછી નવરાત્રિ અને હવે દિવાળી અને ચૂંટણીને અાગળ ધરીને કામગીરી કરાતી નથી.

જોકે આશ્ચર્યજનક રીતે શાસક પક્ષે કોર્પોરેટરોની ભલામણને પ્રાધાન્ય આપીને જે તે ગેરકાયદે બાંધકામ તોડવાની બાબતને ગંભીરતાથી લીધી છે. મ્યુનિસિપલ ભાજપનાં ટોચનાં સૂત્રો કહે છે, ખાડિયા વોર્ડના ભાજપના એક વરિષ્ઠ કોર્પોરેટર તંત્રના ભ્રષ્ટ ૨૫ અધિકારીની યાદી તૈયાર કરીને મ્યુનિસિપલ વોર્ડમાં રજૂ કરવાનાં બણગાં મહિનાઓથી ફૂંકીને છેવટે પાણીમાં બેસી ગયા. તૂટેલા રસ્તાના ભ્રષ્ટાચારમાં કોર્પોરેટરોની સામેલગીરીની વ્યાપક લોકધારણાથી ભાજપના અન્ય વરિષ્ઠ કોર્પોરેટરે બોર્ડમાં બળાપો ઠાલવ્યો. કોંગ્રેસના વરિષ્ઠ સભ્યો પણ આ બળાપામાં સામેલ થયા.

પરંતુ ગેરકાયદે બાંધકામોને ઉત્તેજન આપનારા ભાજપ અને કોંગ્રેસના કેટલાક ભ્રષ્ટ કોર્પોરેટરોના મામલે રાજકીય પક્ષો બોર્ડમાં એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ જ કરતા રહ્યા છે તેવું જણાવતાં જાણકાર સૂત્રો કહે છે, ભ્રષ્ટ કોર્પોરેટરોની અમુક વિસ્તારમાં આખ્ખે આખ્ખી સ્કીમ ચાલે જ છે, કેમ કે કેટલાક તો જાહેરમાં બિલ્ડર છે, પરંતુ અનેકની વિસ્તાર મુજબ જૈ તે સ્કીમમાં ફલેટ કે ઓફિસમાં હિસ્સેદારી હોય છે. આવા સંજોગોમાં હંમેશાં વિરોધીઓનાં ગેરકાયદે બાંધકામ તોડવા કે સમર્થકોનાં ગેરકાયદે બાંધકામ તૂટતાં બચાવવા છેક ગાંધીનગરથી દબાણ લાવનારા આવા કૌભાંડી કોર્પોરેટરોને લપસવું હતું અને ઢાળ મળી જશે!

You might also like