ગેરકાયદે બાંધકામ તોડવા મ્યુનિ. હવે અારપીએફની મદદ લેશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓની આંખ આડા કાન કરવાની નીતિ-રીતિથી શહેરભરમાં ગેરકાયદે બાંધકામોની સમસ્યા દિન-પ્રતિદિન વિકરાળ બનતી જાય છે. અનેક કિસ્સાઓમાં લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ગેરકાયદે બાંધકામોની પ્રવૃત્તિને ઉત્તેજન આપતા જોવા મળ્યા છે. તંત્ર દ્વારા અગાઉ આવાં બાંધકામોને જમીનદોસ્ત કરવા માટે સેન્ટ્રલ ડિમોલિશન સેલનું પણ ગઠન કરાયું હતું. ત્રણ-ત્રણ વર્ષ સુધી આ સેલ કાર્યરત રહ્યો હતો, પરંતુુ સેન્ટ્રલ ડિમોલિશન સેલને ઝોનલ સ્તરથી સાથ-સહકાર ન મળવાથી હવે આરપીએફ જવાનોની મદદ લેવા માટે લાખો રૂપિયાનું આંધણ કરાશે.

પૂર્વ મ્યુનિસિપલ કમિશનર ગુરુપ્રસાદ મહાપાત્રે શહેરમાં કૂદકે ને ભૂસકે વધતાં જતાં ગેરકાયદે બાંધકામને ગંભીરતાથી લીધાં હતાં. ગેરકાયદે બાંધકામોને તોડવા માટે ગુુરુપ્રસાદ મહાપાત્રે ખાસ સેન્ટ્રલ ડિમોલિશન સેલની રચના કરી હતી. હાલમાં નાણાં વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહની અધ્યક્ષતા હેઠળ ગઠિત કરાયેલા સેન્ટ્રલ ડિમોલિશન સેલમાં વી. કે. બલાત, ભાનુભાઇ ચૌહાણ અને રાજેશ તડવી એમ ત્રણ અધિકારીની નિમણૂક કરાઇ હતી.

સેન્ટ્રલ તમામ ઝોનના એસ્ટેટ ઓફિસરને ડિમોલિશન સેલમાં દબાણની એક ગાડી અને દબાણની ગાડીનો સ્ટાફ ફાળવવાનો આદેશ અપાયો હતો. આમ દબાણની છ ગાડી અને સ્ટાફની ફાળવણી કરાયા બાદ દર અઠવાડિયે ગેરકાયદે બાંધકામોને તોડવાની કામગીરીનો રિપોર્ટ કમિશનરને મોકલવાનો હતો. ગત તા.ર૭ જુલાઇ, ર૦૧૧એ તમામ ઝોનનો સેન્ટ્રલ ડિમોલિશન સેલ ખોલાયો અને તા.૩ સપ્ટેમ્બર, ર૦૧૪એ સેલને બંધ કરી દેવાયો.

ખરેખર તો સેન્ટ્રલ ડિમોલિશન સેલને જે તે ઝોન તરફથી પૂરતો સાથ- સહકાર મળતો ન હતો. સમયસર પોલીસ બંદોબસ્ત મળતો ન હતો એટલે સેલને બંધ કરવાની ફરજ પડી હતી. છેવટે ડિમોલિશનની જવાબદારી જે તે ઝોનના ડેપ્યુટી કમિશનરને સોંપાઇ હતી. તંત્ર જો હવે લાખો રૂપિયા ખર્ચીને આરપીએફના જવાનોની મદદ લેશે તો તે કેટલા અંશે સાર્થક બનશે તેવો પ્રશ્ન જમાલપુરના અપક્ષ કોર્પોરેટર ઇમરાન ખેડાવાલાએ કર્યો છે, જોકે ભાજપના શાસકો કહે છે, ‘આરપીએફની ટુકડીથી ડિમોલિશનની કામગીરી અસરકારક બનશે.
http://sambhaavnews.com/

You might also like