ગેરકાયદે બાંધકામો સામે કોર્પોરેશનની નવી નીતિ, અમે તોડીશું નહીં, તમે ખરીદશો નહીં

અમદાવાદ: અમદાવાદમાં ગેરકાયદે બાંધકામોને રાતોરાત નાથિયામાંથી નાથાલાલ બનવાનો શોર્ટકટ ઉપાય તરીકે કેટલાંક લેભાગુ તત્ત્વોઅે અપનાવી લીધો છે. શહેરભરમાં ફૂલેલા-ફાલેલા ગેરકાયદે બાંધકામોનો વ્યવસાય ફકત કહેવાતા બિલ્ડર માફિયાઓને જ આભારી નથી, પરંતુ આમાં સ્થાનિક પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કોર્પોરેશનનો ભ્રષ્ટ સ્ટાફ પણ સીધે સીધી રીતે સંડોવાયો છે.

કોર્પોરેશનના ટોચના હોદ્દેદારો અને ઉચ્ચ અધિકારીઓ પણ વરવા ભ્રષ્ટાચારની નગ્ન તસવીર બનીને ઊભરતાં આવાં બાંધકામોને અટકાવવામાં ખાસ રસ લેતા નથી. પરિણામે પેટે પાટા બાંધીને ભેગી કરેલી જીવનભરની મહામોલી મૂડી ઉપરાંત સગાં-સંબંધી કે મિત્રો પાસેથી ઉછીના પાછીના લીધેલાં નાણાં કે કમરતોડ વ્યાજથી મેળવેલી ખૂટતી રકમના સહારે ‘ઘરનું ઘર’ ખરીદતા સામાન્ય નાગરિકો કફોડી હાલતમાં મુકાઇ જાય છે, કેમ કે ગેરકાયદે બાંધકામને તોડવાને બદલે તંત્ર શહેરીજનોને ‘તમે આવાં મકાન ખરીદશો નહીં’ તેવી સૂફિયાણી સલાહ આપીને સિફતપૂર્વક છટકી જાય છે.

અમદાવાદમાં ઇમ્પેકટ ફીની યોજનાની નિષ્ફળતા માટે બિલ્ડર માફિયા, પ્રજાના પ્રતિનિધિઓ અને કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના સ્ટાફની ‘ત્રિપુટી’ મુખ્યત્વે જવાબદાર છે. એક પણ રૂપિયો ઇમ્પેકટ ફી પેટે ભર્યા વગર જો સંબંધિતોના આશીર્વાદથી મોટાં મોટાં રહેણાક અને બિનરહેણાકનાં કોમ્પ્લેકસ ઊભાં થઇ જતાં હોય તો ઇમ્પેકટ ફીની યોજનાની પળોજણમાં બિલ્ડર માફિયાઓ રસ દાખવે નહીં તે સાવ સ્વાભાવિક બાબત છે, એટલે આ યોજના માત્ર કાયદાભીરુ નાગરિકોના વધારાનું રસોડું, સંડાસ, બાથરૂમ, ઓટલો કે એક માળ જેવા ગેરકાયદે બાંધકામની જ યોજના થઇને ફારસરૂપ બની છે.

કોર્પોરેશનના સત્તાવાળાઓ ઓપરેશન ડિમોલિશનનાં મોટાં મોટાં બણગાં ફૂંકે છે, પરંતુ નવાઇની વાત એ છે કે આખેઆખી છ માળની ઇમારત બનીને લોકો રહેવા આવી જાય ત્યાં સુધી તંત્રને ખબર જ પડતી નથી. તંત્રના ડિમોલિશનની કામગીરીમાં પણ કંઇ ભલીવાર હોતો નથી. છેલ્લા કેટલાય સમયથી કોર્પોરેશન દ્વારા મોટાં કોમ્પ્લેકસ, બંગલા કે ટેનામેન્ટ તોડાયાં જ નથી. છેલ્લે સરખેજના ફતેહવાડી વિસ્તારમાં દસ ફલેટને જમીનદોસ્ત કરાયા હતા. આ કાર્યવાહીને પણ બે વર્ષથી વધુનો સમય થઇ ચૂકયો છે.

લોખંડી પોલીસ બંદોબસ્ત હેઠળ કરાયેલી આ કામગીરીને લોકોએ વખાણી પણ હતી, જોકે હવે કોર્પોરેશનને પોલીસ બંદોબસ્ત જ મળતો નથી. બીજી તરફ ભાજપના શાસકો દ્વારા છાશવારે એસઆરપી ટુકડીનો બંદોબસ્ત મેળવીને બાંધકામ તોડી નાખવાનાં ઢોલ-નગારાં પીટાઇ રહ્યાં છે, પરંતુ એસઆરપી બંદોબસ્ત હજુ કાગળ પર જ રહ્યો હોઇ ચોમાસું પણ નજીક આવી પહોંચ્યું છે. બીજી તરફ વહીવટી સત્તાવાળાઓ ગેરકાયદે બાંધકામની યાદી જાહેર કરીને આવાં બાંધકામ તોડી શકાતાં નથી તેવી લાચારી પણ વ્યક્ત કરે છે.

ગેરકાયદે બાંધકામોની તાજેતરમાં જાહેર થયેલી યાદી કંઇ પહેલી યાદી નથી અગાઉ પણ અલગ અલગ મિલકતોની યાદી ત્રણ વખત જાહેર થઇ ચૂકી છે. કમનસીબે આવાં બાંધકામનાં નળ, ગટર કે લાઇટનાં કનેકશન પણ કપાતાં નથી અને સત્તાધીશોની નજર હેઠળ લોકો વસવાટ કરવા પણ આવી જાય છે. ફતેહવાડીના કિસ્સામાં તો આઠ ફલેટ પુનઃ બનીને કુટુંબ-કબીલાથી ધમધમતાં થઇ ગયાં છે.

કોર્પોરેશનની નવી યાદી અંગે મધ્ય ઝોનના એસ્ટેટ અધિકારી રમેશ દેસાઇ કહે છે, અગાઉ આ મિલકતોને બીપીએમસી એકટ ર૬૭ હેઠળ મનાઇ નોટિસ અને તેની અવગણના કરવા બદલ બીપીએમસી ર૬૦ હેઠળ ત્રણ દિવસમાં જાતે તોડી નાખવાની નોટિસ ફટકારાઇ છે. તેમ છતાં સ્થિતિ યથાવત્ રહેતાં કેટલીક મિલકતને સીલ કરાઇ છે તો કેટલીક સંવેદનશીલ હોઇ સીલ મરાયાં નથી, જોકે પોલીસ બંદોબસ્ત મેળવ્યા બાદ આ મિલકતોને તોડી નખાશે. મધ્ય ઝોન માટે તાજેતરની બીજી જાહેર યાદી છે. નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ અધિકારી ચૈતન્ય શાહ કહે છે, દર મહિને પોલીસ બંદોબસ્ત મેળવવા પોલીસતંત્રને અરજી કરીએ છીએ. જ્યારે દક્ષિણ ઝોનના એસ્ટેટ અધિકારી રાજેન્દ્ર જાધવ ફોન ઉપાડવાને બદલે કાપી નાખીને વાત કરવાનું ટાળે છે.
http://sambhaavnews.com/

You might also like