ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો પર અાવતા સપ્તાહથી તવાઈ

અમદાવાદ: અમદાવાદ વિકાસની ગતિએ ભલે હરણફાળ ભરી રહ્યું હોય પરંતુ આ શહેરની મોટામાં મોટી સમસ્યા ગેરકાયદે બાંધકામોની છે. શહેરભરમાં ગેરકાયદે બાંધકામોના રાફડા ફાટી નીકળ્યા છે. જોકે ભાજપ અને કોંગ્રેસના કેટલાક કોર્પોરેટરો આ વિકરાળ પ્રશ્નને લોકોના કમનસીબે બહુમતી અને લઘુમતી સમાજના બાંધકામમાં વિભાજિત કરીને મ્યુનિસિપલ ગૃહમાં ઝઘડે છે.

આ પ્રકારે રાજકીય રોટલા શેકાતા હોઇ તંત્ર ડિમોલિશનના મામલે સ્વાભાવિક રીતે નિષ્ક્યિતા દાખવી રહ્યું છે. આમાં સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે કોર્પોરેશનના ચોપડે છ છ વર્ષથી ગેરકાયદે બાંધકામોને બાદ બાકી કેસની પૂર્ણ વિગત છે. ગત તા.ર૮ માર્ચ, ર૦૧૧ની ‘કટ ઓફ ડેટ’ લાઇન બાદ વગર રજાએ ઊભા થયેલાં ગેરકાયદે બાંધકામો તો કેટલાક ટાવર અને સોસાયટીઓ પણ છે જોકે હવે આવા બાંધકામો સામે તવાઇ લાવવાની વાતો થઇ રહી છે.

ભાજપ શાસકોએ ગેરકાયદે બાંધકામોને તોડવા માટે દર મહિને રૂ.૬૧ લાખના ખર્ચે એસઆરપીના સો જવાનની સેવા લેવાનો નિર્ણય કર્યો છે. એસઆરપીના આ જવાનો ડિમોલિશન દરમ્યાન ટીડીઓ વિભાગના સ્ટાફનું રક્ષણ કરશે. જોકે આમાં હાસ્યાસ્પદ બાબત તો એ છે કે ભ્રષ્ટ ટીડીઓ વિભાગ ગેરકાયદે બાંધકામોને પાયામાંથી થતા અટકાવતા નથી.

મધ્ય ઝોનના રાયખડ વોર્ડમાં બુુખારાના મહોલ્લાનું જ તાજું ઉદાહરણ લો. અત્રે તંત્રએ મોહમ્મદ હુસૈન રાજીમાન મેમણ સહિતના દબાણકર્તાને તેવા સમયે નોટિસ ફરકારી છે જ્યારે દબાણકર્તાએ ૧૪ નંગ આરસીસીની કોલમો ઊભા કરી ગ્રાઉન્ડ ફલોર તથા ફર્સ્ટ ફલોરનું ફ્રેમ સ્ટ્રકચર બનાવી નાખ્યું છે અને હવે સેકન્ડ ફલોરનું સેન્ટરિંગ કામ ચાલુ છે.

મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગે વગર રજાએ બાંધકામ કર્યું હોઇ તેવાં કારણસર ર૬૭ની કલમ હેઠળ નોટિસ ફટકારીને કર્તવ્યની ઇતિશ્રી કરી નાખી છે. કમિશનર મૂકેશકુમાર અધિકારીઓની ઉચ્ચ સ્તરિય બેઠકમાં ટીડીઓ વિભાગને વારંવાર કડક સૂચના આપતા આવ્યા છે કે જે સ્થળે પોલીસ બંદોબસ્તની જરૂર ન હોય તેવી જગ્યાઓએ તત્કાળ હથોડો મારો. પરંતુ કોર્પોરેશનના ચોપડે નોટિસ ફટકારવા સિવાય ડિમોલિશનની ઉલ્લેખનીય કામગીરી થતી નથી. બહુ બહુ તો ગરીબોના ઓટલા તોડવામાં આવે છે.

એસઆરપી જવાનોની મદદથી ગેરકાયદે બાંધકામોને તોડવાની નીતિ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલને પૂછતાં તેઓ કહે છે, પહેલાં તો જે વગર રજાના બાંધકામોને તંત્રની નોટિસ ફટકારાઇ હોવા છતાં નવાં ઊભાં થઇ રહ્યાં છે. તેવાં બાંધકામ તોડાશે ત્યારબાદ કોર્ટમાં અપાયેલી યાદીનાં બાંધકામ જમીનદોસ્ત કરાશે અને છેલ્લે ઇમ્પેક્ટ ફી યોજનામાં ફગાવાયેલી અરજીના કેસ હાથ ધરાશે. આવતા અઠવાડિયાથી આ ઝુંબેશનો પ્રારંભ થઇ જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે તંત્રના ચોપડે છ મહિનામાં ૪૪પ૪ ગેરકાયદે બાંધકામો નોંધાયેલાં છે જેમાં વધારો થઇને આજની તારીખમાં ૪૭૦૦ થયાં હોવાનું ખુદ સત્તાવાળાઓ કબૂલે છે.
http://sambhaavnews.com/

You might also like