બમ્પની બબાલઃ ૯૦ ટકા બમ્પ નિયમો નેવે મૂકીને બનાવેલા છે

અમદાવાદ, બુધવાર
શહેરના તૂટેલા રસ્તાનો મામલો તો છેક જુલાઇ-ર૦૧૭થી રાજ્યભરમાં ગાજી રહ્યો છે. રોડના કામના ભ્રષ્ટાચારના મામલે હાઇકોર્ટ અવારનવાર મ્યુનિસિપલ સત્તાવાળાઓનો ઊધડો લઇ રહી છે. ઊબડખાબડ રસ્તાથી નિર્દોષ નાગરિકોના જાનમાલને નુકસાન થઇ રહ્યું છે, પરંતુ હવે રસ્તા પર આડેધડ રીતે જોવા મળતા બમ્પના મામલે પણ હાઇકોર્ટે તંત્ર સામે લાલ આંખ કરી છે. બીજી તરફ બમ્પ બનાવતી વખતે નિયત ધારાધોરણનું પાલન થતું નથી અને ૯૦ ટકા જેટલા બમ્પ નિયમોને નેવે મૂકીને બનાવાયા હોવાની કબૂૂલાત ખુદ કોર્પોરેશને કરી છે.

હાઇકોર્ટ દ્વારા ગઇ કાલે બમ્પ બનાવતી વખતે તેની ઊંચાઇ-પહોળાઇને ધ્યાનમાં લેવાતી ન હોઇ તેની નોંધ લઇ મ્યુનિસિપલ સત્તાધીશોને આ બાબતે ગંભીર થવાની તાકીદ કરાઇ હતી. તંત્ર દ્વારા હાઇકોર્ટમાં શહેરમાં ૩૦૦૦થી વધુ બમ્પ હોવાનું સ્વીકારાયું હતું.

પરંતુ આ તો તંત્રના ચોપડે સત્તાવાર રીતે નોંધાયેલા બમ્પ છે, જ્યારે બિનસત્તાર બમ્પનો આંકડો તો ચાર ગણો હોઇ એક પ્રકારે શહેર બમ્પનગરી બન્યું છે. બમ્પ બનાવતી વખતે જે તે રોડની લંબાઇને ગણતરીમાં લેવાતી નથી, પરંતુ બમ્પની જરૂરિયાતને ધ્યાનમાં લેવાય છે.

મ્યુનિસિપલ ટ્રાફિક વિભાગનાં વધુમાં સૂત્રો કહે છે, કોઇ પણ નાગરિકની ‘બમ્પ’ની માગણી કરતી અરજી તંત્ર સમક્ષ આવે તો તેને ટ્રાફિક પોલીસની મંજૂરી માટે મોકલી દેવાય છે. ટ્રાફિક પોલીસની મંજૂરી મળ્યા બાદ જે તે ઝોનના સ્થાનિક વોર્ડના ઇજનેર વિભાગને નવા બમ્પની કામગીરી સોંપાય છે.

દર મહિને અમારા વિભાગને નવા બમ્પની પ૦ થી ૬૦ અરજી મળે છે, જે પૈકી ટ્રાફિક પોલીસ દસથી પંદર અરજીને સ્થળ તપાસ બાદ મંજૂર કરે છે. ખાસ કરીને શાળા હોય તો તેની નજીક બમ્પ બનાવવાની મંજૂરી તત્કાળ મળે છે. જે રોડ પર અકસ્માતના કેસ વધુ થતા હોય ત્યાં પણ બમ્પની પરવાનગી અપાય છે. કોર્પોરેશન ફક્ત ટ્રાફિક પોલીસના અભિપ્રાય મુજબ બમ્પ બનાવે છે.

ઇંડિયન રોડ કોંગ્રેસના ધારાધોરણ મુજબ બમ્પ ૩.૭૦ મીટર પહોળો અને ૧૦૦ એમએમ ઊંચો હોવો જરૂરી છે, પરંતુ શહેરના અનેક વિસ્તારમાં આ ધારાધોરણ મુજબ બમ્પ જોવા મળતા નથી. વધુ ઊંચાઇનાે ટેકરો ધરાવતા કે વધુ પહોળાઇના અસમાન બમ્પ રાતના સમયે વાહનચાલકોને રસ્તા પર પટકીને તેમનું બ્રેઇન હેમરેજથી મૃત્યુ પણ નિપજાવે છે.

તેમ છતાં આશ્ચર્યજનક રીતે તંત્ર સમક્ષ આવા ભયજનક કે ગેરકાયદે બમ્પને દૂર કરવાની અરજી આવતી નથી. મ્યુનિસિપલ સત્તાવાળાઓ કે ટ્રાફિક પોલીસ પણ સર્વે કરીને શહેરીજનો માટે જોખમી બનેલા બમ્પ હટાવતા નથી. અનેક વિસ્તારમાં તો માંડ ૩૦થી ૪૦ ફૂટના અંતરે બમ્પનો ત્રાસ જોવા મળે છે.

સત્તાવાર રીતે બમ્પ બનાવતી વખતે થર્મોપ્લા‌િસ્ટક પેઇન્ટનો ઉપયોગ કરીને તેમાં ‘ગ્લાસબીડ’ ભેળવીને વાહનચાલકના વાહનની હેડલાઇટના પ્રકાશમાં ચમકતા કરવાની જવાબદારી તંત્રની છે, પરંતુ આ મામલે ઉદાસીનતા સેવાઇ રહી છે. પરિણામે પ્રાણઘાતક કિસ્સા વધ્યા છે.

જોકે સત્તાવાળાઓએ તાજેતરમાં પ્રાયોગિક ધોરણે ડફનાળા રોડ પર સોલર એનર્જીથી ચાલતા ‘સોલર સ્ટડ’ કેટલાક બમ્પ પર બેસાડ્યા છે, જે રાતના અંધકારમાં પણ સોલર એનર્જીથી ઝળહળી ઊઠી લાલ પ્રકાશ ફેલાવે છે. આગામી બજેટમાં નવા ‘સોલર સ્ટડ’ લગાવવા માટે રૂ.ર૦ લાખનું બજેટ ફાળવાયું છે તેમ છતાં ટ્રાફિક વિભાગ પણ જે તે રસ્તાના થર્માેપ્લા‌િસ્ટક પેઇ‌િન્ટંગ, કેટઆઇ વગેરે બેસાડવાની ‘રૂ‌િટન’ કામગીરીમાં ખાસ ચુસ્તી દાખવતો નથી. રોડ-બિ‌િલ્ડંગ કમિટીમાં આને લગતા લાખો રૂપિયાનાં કામ મુકાતાં હોવા છતાં શાસકો પણ તંત્ર પાસેથી અસરકારક કામ લેવામાં નિષ્ફળ ‌િનવડ્યા છે.

જે તે રોડ પરની સોસાયટીના રહીશો દ્વારા સ્થાનિક ઇજનેર વિભાગને સાધી લઇને રાતોરાત નવા બમ્પ બનાવવાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સોસાયટીના ૮૦ઃર૦ની જનભાગીદારીની સ્કીમના કારણે બનતા સોસાયટીના આરસીસી રોડની સાથે-સાથે ડામરના બદલે હવે કોંક્રીટના બમ્પ બની રહ્યા છે. સ્થાનિક કોર્પોરેટરો પણ પોતાના વિસ્તારના મતદારને રાજી રાખવા ‘બમ્પ’ની સંખ્યામાં વૃદ્ધિ કરવા માટે જવાબદાર હોવાનો આક્ષેપ ખુદ તંત્ર દ્વારા કરાયો છે.

ટ્રાફિક વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કૈલાસ ગઢવી આવો આક્ષેપ કરતાં વધુમાં કહે છે.‘ આજની સ્થિતિએ શહેરના ૯૦ ટકા બમ્પ નિયમને નેવે મૂકીને બનાવાયા છે, જોકે બમ્પ બનાવતી વખતે નિશ્ચિત ધારાધોરણ ઉપરાંત ‘સોલર સ્ટડ’ સહિતની સુવિધા વાહનચાલકોને આપવાની કાળજી લેવાશે.

You might also like