મારા દમ પર નામ કમાયુંઃ ઈલિયાના ડી ક્રૂઝ

ઈલિયાના ડિક્રૂઝની અજય દેવગણ સાથેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘રેડ’ને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો તેને લઇ ઈલિયાના ખૂબ જ ઉત્સાહિત છે. પહેલા અઠવાડિયે કમાણીની બાબતમાં આ વર્ષે તે બીજી સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઇ. આ ફિલ્મે ‘પદ્માવત’ બાદ બીજું સ્થાન મેળવ્યું, જ્યારે પહેલા અઠવાડિયામાં કમાણીની બાબતમાં અક્ષયકુમારની ‘પેડમેન’ને પછાડી દીધી.

ઈલિયાનાનું કહેવું છે કે એક યુવતી હોવાના નાતે તેની કરિયરનો જે ગ્રાફ રહ્યો તે તેના માટે સૌથી વધુ ખુશીની વાત છે. તે કહે છે કે મને, મારાં માતા-પિતા અને મારા પરિવારને એ વાત પર ગર્વ થાય છે કે ઇન્ડસ્ટ્રીમાં મેં મારા બલબુતા પર નામ કમાયું. ઈલિયાના કહે છે કે મને જે પણ ઓફર અને રોલ મળ્યાં તે મારી પ્રતિભાના દમ પર મળ્યાં. મને લાગે છે કે મારાં માતા-પિતાએ મને એટલી મજબૂત બનાવી કે હું ક્યાંય ઝૂકું નહીં અને માથું ઉઠાવીને ચાલી શકું.

ઇલિયાના એ વાતનો ઇનકાર કરતી નથી કે ફિગર અને સુંદરતાને લઇ છોકરીઓ પર હંમેશાં દબાણ રહેતું હોય છે. તે કહે છે કે ભૂતકાળમાં મારે સેલ્ફ એસ્ટીમ અને વજનના મુદ્દે ઘણું બધું સહન કરવું પડ્યું છે. હું હંમેશાં મારા શરીરને લઇ સજાગ રહેતી, કેમ કે મારું બોડી ટાઇપ અલગ હતું.

તાજેતરમાં ઇલિયાનાએ પોતાની પર્સનલ જિંદગીના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા તો તેને લઇ ખૂબ જ ચર્ચા થઇ, જોકે તેણે અત્યાર સુધી આ મુદ્દે કોઇ વાત કરી નથી, પરંતુ એટલું જરૂર કહ્યું કે લાઇફમાં તેનું કામ અને તેનો બોયફ્રેન્ડ એન્ડ્રયુ તેને ખુશ રાખે છે. ઇલિયાના પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વચ્ચે બેલેન્સ બનાવીને ચાલે છે.

You might also like