‘પાટીદારો ભાજપ સાથે આવતાં કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું’

અમદાવાદ: રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ચાલી રહેલા મતદાનમાં હજારો મતદારોનાં નામ લીસ્ટમાંથી ડિલીટ થઇ જતાં હોબાળો મચી ગયો છે. ત્યારે આ મામલે સ્પષ્ટતા કરતાં ભાજપના નેતા આઇકે જાડેજાએ કહ્યું હતું કે, કોંગ્રેસ રાજકીય રોટલો શેકવાના પ્રયત્નો કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, લીસ્ટમાંથી મતદાતાઓનાં નામ ડિલીટ થઇ જતાં કોંગ્રેસ પક્ષ આક્રમક વલણ દાખવતાં કલેક્ટર ઓફીસ પહોંચ્યો હતો અને પાટીદારોથી ડરી ગયેલી ભાજપે તેમના નામ લીસ્ટમાંથી ડિલીટ કરાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે ભાજપ નેતા આઇકે જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસના તમામ આક્ષેપોને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, હવે પાટીદારો ભાજપ સાથે આવી રહ્યાં છે તેથી કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે. કોંગ્રેસ આ બાબતને હથિયાર બનાવીને તેની પર રાજકીય રોટલો શેકવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

આઇકે જાડેજાએ કહ્યું હતું કે, ‘કોંગ્રેસને હવે પોતાની હાર દેખાઇ રહી છે તેથી તે ભાજપ પર આવા આક્ષેપો કરી રહ્યું છે. મતદાતાઓનાં નામ લીસ્ટમાંથી ડિલીટ થઇ ગયા છે તે ચૂંટણી પંચનું કાર્ય છે. ચૂંટણી પંચ કંઇ રાતોરાત નામ ગાયબ નથી કરી દેતી. પરંતુ હવે કોંગ્રેસે પાટીદારોને ઉશ્કેરવાનું બંધ કરી દેવું જોઇએ. જોકે રાજકીય રોટલા શેકવા નીકળેલી કોંગ્રેસને મતદારો જડબાતોડ જવાબ આપશે. ‘

You might also like