આઈઆઈએમ, સ્ટેડિયમ વિસ્તારમાં દબાણો ન થાય તે માટે દરરોજ અલગ-અલગ અધિકારીને જવાબદારી

અમદાવાદ: પશ્ચિમ ઝોનના વસ્ત્રાપુર વિસ્તારના આઇઆઇએમ કેમ્પસ સામેના રસ્તા ઉપર ટ્રાફિકને નડતરરૂપ ચા-નાસ્તાની લારી-ગલ્લાના દબાણોની નાગરિકોને નવાઇ નથી રહી. આઇઆઇએમ કેમ્પસ સામેના દબાણોને હટાવવાની ભૂતકાળમાં અનેક વાર કાર્યવાહી કરાઇ છે, પરંતુ થોડા દિવસોમાં જ દબાણો યથાવત્ થઇ જાય છે. આ ઉપરાંત સ્ટેડિયમ વિસ્તારના પગરખાં બજારના દબાણની પણ ફરિયાદો છે. જોકે હવે તંત્ર આ બંને સ્થળોએ દબાણ વાન સાથે સ્ટેન્ડ-ટુ રહેશે.

આઇઆઇએમ કેમ્પસ સામેના દબાણોના પ્રશ્નના નિરાકરણ માટે સત્તાવાળાઓ દ્વારા આ વિસ્તારની ફૂટપાથને તોડીને સાંકડી કરાઇ છે. પ‌શ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની હપ્તાબાજીના કારણે આઇઆઇએમ કેમ્પસ સામેના દબાણોની સમસ્યા વકરતી રહી છે. એક વખત દૂર કરાયેલા દબાણો અમુક સમયગાળા બાદ પુનઃ થઇ જવા પાછળ એસ્ટેટ વિભાગના કેટલાક ભ્રષ્ટ સ્ટાફની ‘રોકડી’ કરી લેવાની મનોવૃત્તિ કારણભૂત છે.

તાજેતરમાં કમિશનર મુકેશકુમારના આદેશથી એસ્ટેટ વિભાગમાં સીસીટીવી કેમેરા ગોઠવાયા બાદ ત્રણ કર્મચારી ભ્રષ્ટ વ્યવહાર કરતાં રંગેહાથ પકડાયા હતા. જેમને ડેપ્યુટી કમિશનર સિદ્ધાર્થ ખત્રીએ સસ્પેન્ડ કરતાં ભ્રષ્ટાચાર આચરતાં કર્મચારી-અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.

હવે સિદ્ધાર્થ ખત્રીએ આઇઆઇએમ કેમ્પસ અને સ્ટેડિયમ વોર્ડના પગરખાં બજાર સહિતના દબાણ દૂર કરવાની કામગીરી હેઠળ અલગ અલગ દિવસોએ અલગ અલગ અધિકારીને મોનિટરિંગની કામગીરી સોંપી છે. બપોરના ત્રણથી રાતના ૧૧ વાગ્યા સુધી મોનિટરિંગ અધિકારીએ દબાણ વાન સાથે ‘સ્ટેન્ડ-ટુ’ રહેશે.
http://sambhaavnews.com/

You might also like