રોંગ સાઈડમાં ચલાવશો વાહન તો થશે એક હજાર રૂપિયાનો ચાંલ્લો

અમદાવાદઃ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું અમદાવાદીઓ પાસે કડક રીતે પાલન કરાવવાનું શરૂ કરાયું છે. છેલ્લાં બે દિવસથી શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં રોંગ સાઈડમાં વાહન ચલાવનારા ચાલકો સામે ડ્રાઇવ યોજવામાં આવી છે.

પોલીસે રોંગ સાઇડમાં વાહન ચલાવતા અને ચાલુ વાહને મોબાઇલ ફોન પર વાત કરતા, રોડ પર ભયજનક રીતે વાહન ચલાવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી રૂ.૩.૧૯ લાખનો દંડ ફટકાર્યો છે. રોંગ સાઇડમાં વાહન ચલાવવા બદલ હવે ટ્રાફિક પોલીસે રૂ.૧૦૦૦નો દંડ ફટકારવાનું શરૂ કર્યું છે. પોલીસે ર૧થી વધુ વાહનો ડીટેઇન કરી ચાર લોકો સામે ગુનો પણ નોંધ્યો છે.

શહેરમાં અનેક વાહનચાલકો રોંગ સાઇડમાં અને બેફામ સ્પીડે ચાલુ વાહને મોબાઇલ પર વાત કરતાં વાહનો ચલાવે છે, જેમની સામે ટ્રાફિક પોલીસ દ્વારા ગઇ કાલે બપોરના ત્રણ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી સમગ્ર શહેરમાં ડ્રાઇવ યોજવામાં આવી હતી. જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા રોંગ સાઇડમાં વાહન ચલાવનારા વાહનચાલકને ઝડપી લેઇ તેમને દંડ ફટકારવામાં આવ્યા હતા. ર૧ જેટલા વાહનચાલકો પાસે વાહનના કાગળ અને લાઈસન્સ ન હોવાથી તેમનાં વાહન જપ્ત કરી લેવાયા હતાં.

જ્યારે ચાર વ્યક્તિ વિરુદ્ધ આઇપીસી ર૭૯ કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ૩૧૯ અમદાવાદીઓને ભયજનક રીતે અને ચાલુ વાહને મોબાઇલ પર વાત કરતાં ઝડપી લઇ રૂ.૧૦૦૦નો દંડ ફટકાર્યો હતો.

You might also like