જો નદીઓ નહીં બચાવીએ તો આપણું બચવું મુશ્કેલ બનશે

દેશમાં નદીઓને પ્રદૂષણ મુકત અને પવિત્ર બનાવાનુ અને નદીઓને જોડવાનું અભિયાન પૂર્‍વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ શરૂ કર્યુ હતુંં, પરંતુ તે અંગે યોગ્ય દિશામાં પ્રયાસો નહીં થતાં આજે પણ દેશની અનેક નદીઓમાં વિવિધ પ્રકારનું પ્રદૂષણ જોવા મળે છે. તેના કારણે નદીઓના અસ્તિત્વ સામે જોખમ ઊભું થઈ રહ્યું છે. આપણા માટે દેશની વિવિધ નદીઓને પ્રદૂષણથી બચાવવાનો પડકાર ઊભો થઈ રહ્યો છે. તેથી હવે એવું લાગી રહ્યું છે કે દેશની નદીઓને પ્રદૂષણથી નહીં બચાવીએ તો આપણું બચવું મુશ્કેલ બની જશે.

દેશમાં ગંગા, નર્મદા, ચંબલ, તાપ્તી, બેતવા, સોન, ક્ષિપ્રા, કાલીસિંધ, પાર્વતી જેવી નદીઓને પ્રદૂષણથી બચાવવાનો મોટો પડકાર છે. જેમાં નર્મદા નદીમાં દરરોજ ૫૨૭ ટન કચરો, ૨૦.૦૬ કરોડ લિટર ગંદું પાણી વહે છે. જે નદીને પ્રદૂષિત કરે છે. આ અંગે થયેલા સર્વેમાં મોટા શહેરો અને ઔદ્યોગિક એકમો આસપાસથી પસાર થતી નર્મદા નદીનંુ પાણી વધુ દૂષિત થતું જોવા મળે છે. જોકે સરકાર દ્વારા આ માટે નદીઓના શુદ્ધિકરણ અને સંરક્ષણને લગતા અનેક પગલાં લેવામાં આવી રહ્યાં છે. તે માટે સરકાર દ્વારા ૧૩૦૦ કરોડનાં બજેટને મંજૂર કરી તેને સ્વીકારી તેનો અમલ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

નેપાનગર આસપાસના વિસ્તારમાં સિક્યોરિટી પેપર મિલનું દૂષિત પાણી નર્મદા નદીમાં ભળતાં નદીમાં પ્રદૂષણની માત્રા વધુ જોવા મળે છે. નર્મદા-ક્ષિપ્રા સિંહસ્થ લિંક પરિયોજનાના માધ્યમથી ભારે પ્રદૂષણ અને જળપ્રવાહ રોકવાથી લુપ્ત થતી મોક્ષદાયિની ક્ષિપ્રાને જીવતદાન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નર્મદાનું પાણી ૪૯ કિલોમીટરના અંતરથી તથા ૩૪૮ મીટરની ઉંચાઈએથી વહાવીને ક્ષિપ્રામાં ઠાલવવામાંં આ‍વ્યું છે અને તેના કારણે જ ઉજજૈનનો ત્રિવેણી ડેમ આજે ભરપુર છે. પરંતુ માત્ર આવા પ્રયાસ ઉપરાંત દેશમાં જે નદીઓ પ્રદુષણથી મલિન થઈ રહી છે તેને અટકાવવા માટે આપણે સામૂહિક પ્રયાસો કરવાની આવશ્યકતા જણાઈ રહી છે.

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયત માપદંડ અનુસાર વર્તમાન સમયે જળ સંશોધનની પ્રણાલી મોંઘી સાબિત થાય છે અને તે પૂરતા પ્રમાણમાં ઉપયોગી સાબિત થઈ નથી. તેથી હવે નદીઓમાં જે રીતે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે તેને રોકવા આપણે બધાએ સામૂહિક પ્રયાસ કરવા પડશે. આ માટે નદીઓનાં શુદ્ધિકરણ માટે જે પ્રયાસો થઈ રહ્યા છે તેમા આપણે બધાંએ સહયોગ આપવો પડશે.મધ્યપ્રદેશમાં વન અને અન્ય કુદરતી સંપત્તિ છે. તેથી આ રાજ્યમાંથી નર્મદા નદી પસાર થાય છે તેમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. તેને રોકવાની ખાસ આવશ્યકતા છે. નદીઓને માતા તરીકે માનવામાં આવે છે ત્યારે જો આપણે જ આપણી માતા ગણાતી નદીઓની દરકાર નહિ લઈએ તો નદીઓની પવિત્રતા કેવી રીતે જળવાઈ શકશે? કારણ નદીઓમાં જે રીતે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે તેના કારણે તેની પવિત્રતા જળવાતી નથી.અને પાણી પ્રદૂષિત બનતાં તેનો ઉપયોગ કરનારા લોકો વિવિધ રોગનો ભોગ બનવા લાગે છે. તેથી નદીની પવિત્રતા જાળવવા માટે આપણે જ કોઈ પહેલ કરવી પડશે. અન્યથા નદીઓમાં વધતું જતું પ્રદુષણ એક દિવસ આપણા માટે જીવવાનું પણ મુશ્કેલ બનાવી દેશે.

પહેલા આપણે નદીઓ પાસેથી માગતા હતા અને હવે નદી આપણી પાસે માગે છે કે બેટા મને ગંદી ન બનાવો. મારામાં ઝેરી રસાયણો ન ઠાલવો, મને નદી તરીકે જ જીવવા દો. નદીમાંથી ગંદાં નાળાંમાં ન ફેરવો. જેવી વિવિધ માગણી કરી રહી છે તેમ કહીએ તો પણ ખોટુ નથી. જે રીતે નદીઓમાં પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે તે જોતાં આગામી દિવસોમાં માનવીને નદીનું શુદ્ધ પાણી મળવાનું દુષ્કર બની જશે.તેથી હવે નદીઓની જાળવણી માટે માનવીએ થોડી જાગૃતિ તો અવશ્ય બતાવવી પડશે જ.

http://sambhaavnews.com/

You might also like