જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ

અમદાવાદ: તું મારો ફોન કેમ નથી ઉપાડતી..મારી સાથે સંબંધ કેમ નથી રાખતી..જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ કોલે‌િજયન યુવતીને આપીને હેરાન-પરેશાન કરતા યુવક વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ થઇ છે. દોઢ વર્ષ પહેલાં યુવક અને યુવતી વચ્ચે મિત્રતામાં બ્રેકઅપ થઇ ગયું હતું. છેલ્લા એક અઠવા‌િડયાથી સતત યુવક યુવતીની કોલેજ પર જઇને ધમકીઓ આપતો હતો.

સેટેલાઇટ વિસ્તારમાં રહેતી અને વસ્ત્રાપુરની આર.જે. ટીબ્રેવાલ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ એક યુવક વિરુદ્ધમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં હેરાન-પરેશાન કરવા બદલ ફરિયાદ કરી છે. યુવતી જ્યારે સેટેલાઇટમાં ભણતી હતી ત્યારે તેનો પરિચય શાહપુરની ભોઈવાડાની પોળમાં રહેતા અક્ષય નીરજભાઇ શ્રીમાળી નામના યુવક સાથે થયો હતો.

યુવતી અને અક્ષય વચ્ચે સારી મિત્રતા હતી, જોકે દોઢેક વર્ષથી બન્ને વચ્ચે અગમ્ય કારણસર બ્રેકઅપ થઇ ગયું હતું. થોડાક દિવસ પહેલાં યુવતી કોલેજમાં ભણતી હતી ત્યારે અક્ષયે તેને ફોન કર્યા હતા. અક્ષયે સંખ્યાબંધ ફોન કર્યા હોવા છતાંય યુવતીએ એક પણ ફોન ઉપાડ્યો નહીં.

યુવતીએ ફોન નહીં ઉપાડતાં અક્ષય ગુસ્સે થયો હતો અને સીધો કોલેજ પાસે આવી ગયો હતો. અગિયાર વાગ્યાની આસપાસ જ્યારે યુવતી કોલેજથી છૂટી ત્યારે અક્ષય કોલેજના ગેટ પાસે ઊભો હતો. યુવતીને જોઇને અક્ષય તેની પાસે ગયો હતો અને મારો ફોન કેમ નથી ઉપાડતી..મારી સાથે કેમ સંબંધ નથી રાખતી..જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ..તેવી ધમકી આપીને બીભત્સ ગાળો બોલતો હતો.

એક અઠવા‌ડિયા સુધી અક્ષય કોલેજ પર જઇને યુવતીને આ પ્રકારની ધમકી આપતો હતો. અક્ષયની ધમકીથી કંટાળીને યુવતીએ તેના પિતાને જાણ કર્યા બાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે અક્ષય વિરુદ્ધમાં  ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

You might also like