આસામમાં બેથી વધુ સંતાન હશે તો સરકારી નોકરી નહીં મળે

ગુવાહાટી: ભારતમાં વધતી જતી વસ્તીને લઈ અનેક પગલાંઓ ભરવામાં આવ્યાં છે, પરંતુ ચીનની જેમ આ અંગે કોઈ કડક નિર્ણય લઈ શકાયા નથી. હવે ભારતના આસામ રાજ્યમાં વસતીવિસ્ફોટ રોકવા માટે એક કડક કાયદો ઘડવાની વાત ચાલી રહી છે. આસામ સરકારે એવું સૂચન કર્યું છે કે બેથી વધુ બાળકો ધરાવનારને સરકારી નોકરી નહીં આપવાનો કાયદો ઘડવો જોઈએ.

આસામ સરકારે એક વસતીગણતરી નીતિનો મુસદ્દો તૈયાર કર્યાની જાહેરાત કરી છે, જેમાં બેથી વધુ સંતાન ધરાવતા લોકોને સરકારી નોકરી નહીં આપવાનું અને રાજ્યમાં તમામ છોકરીઓને યુનિવર્સિટી સ્તર સુધી વિનામૂલ્યે શિક્ષણ આપવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. આસામના આરોગ્યપ્રધાન હિંમત વિશ્વ શર્માએ જણાવ્યું કે આ વસતીગણતરી નીતિનો મુસદ્દો છે, એમાં અમે સૂચનો કર્યાં છે કે બેથી વધુ સંતાન ધરાવનાર વ્યક્તિ કોઈ પણ સરકારી નોકરી માટે પાત્ર ગણાશે નહીં. તેમણે જણાવ્યું હતું કે આ શરતની પૂર્તતા કર્યા બાદ પણ નોકરી મેળવનાર કોઈ વ્યક્તિએ પોતાની નોકરીના અંત સુધી તેને વળગી રહેવું પડશે.

શર્માએ એ પણ જણાવ્યું હતું કે ટ્રેક્ટરની ફાળવણી, આવાસોની ફાળવણી અને અન્ય સરકારી લાભ માટેની યોજનાઓને આ બે સંતાનની નીતિ લાગુ પડશે. રાજ્ય ચૂંટણીપંચને આધીન થનારી પંચાયત, નગર નિગમો અને સ્વાયત્ત પરિષદની ચૂંટણીમાં પણ ઉમેદવાર માટે બે સંતાનનો નિયમ લાગુ પડશે.

http://sambhaavnews.com/

You might also like