સામાન્ય ક્વેરી હશે તો બાંધકામના પ્લાનને હાલ પૂરતી શરતી મંજૂરી

અમદાવાદ: નવાં બાંધકામ માટેના પ્લાન પાસ કરવા માટે રાજ્ય સરકારે છેલ્લા ૪ મહિનાથી એટલે કે ૧ મેથી ઓનલાઈન પ્લાન સબમિટ કરવાની નવી સિસ્ટમ ફરજિયાત કરી છે, તેની સાથે જ ઓફલાઈન સિસ્ટમ પણ બંધ કરી દેવાઈ હતી.

ઓનલાઈન સિસ્ટમમાં સોફ્ટવેરની સિસ્ટમમાં ખામીના કારણે પ્લાન પાસ નહીં થતા હોવાની ફરિયાદો સાથે રાજ્યભરના ઈજનેર છેલ્લા ૪ દિવસથી હડતાળ પર છે ત્યારે છેવટે મુખ્યપ્રધાન સમક્ષ તમામ એસોસિયેશને કરેલી રજૂઆતના પગલે હવે સરકારે શરતી બાંધકામ મંજૂરી આપવાની સહમતી આપી છે.

તેના પગલે છેલ્લા ચાર મહિનાથી રાજ્યભરના ૧,૦૦૦થી વધુ મંજૂરીની રાહમાં પેન્ડિંગ પ્લાન માટેનો માર્ગ મોકળો થયો છે. આગામી ત્રણ િદવસમાં તમામ પ્લાનને શરતી મંજૂરી આપવામાં આવશે તેવી મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ખાતરી આપવામાં આવી હોવાથી આજથી હડતાળ સમેટાઈ છે.

આ અંગે ક્રેડાઈના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ પરેશભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે ઓનલાઈન પ્લાન મંજૂરીના સોફ્ટવેરમાં અનેક ખામીઓ હોવાના કારણે ૧,૦૦૦થી વધુ પ્લાન પેન્ડિંગ છે. આ તમામ હવે આગામી ત્રણ િદવસમાં જે તે શરતોની મંજૂરીની સાથે પાસ કરી દેવામાં આવશે. ત્યાર બાદ અરજદારે ટૂંક સમયમાં ક્વેરીની પૂર્તતા કરવાની રહેશે.

રાજ્યભરના એન્જિનિયર છેલ્લા ચાર દિવસની હડતાળ પર હતા. તેમની માગ હતી કે ઓફલાઈન સિસ્ટમ અથવા તો બીજી કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરવામાં આવે.

બિલ્ડર એસોસિયેશન, ગાહેડ, ક્રેડાઈ દ્વારા મુખ્યપ્રધાન સુધી આ બાબતે રજૂઆત કરાઈ હતી, પરંતુ હવે સરકારની આખરી જાહેરાત મુજબ બાંધકામ પરવાનગીમાં સામાન્ય ક્વેરી હશે તો તે દૂર કરવાની શરતે પરવાનગી આપવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજ્યની તમામ મહાનગરપાલિકા અને સત્તામંડળમાં બાંધકામ પરવાનગી ઓનલાઈન છે. હવે સામાન્ય ક્વેરી હશે તો બાંધકામની મંજૂરી આપવામાં આવશે અને તેવા કિસ્સામાં સમયમર્યાદાની અંદર જે તે બિલ્ડર-ડેવલપરે શરતોને આધીન જે પણ ક્વેરી હશે તે પૂરી કરવાની રહેશે, નહીં તો છેલ્લે તેમનો પ્લાન પાસ થયેલો ગણાશે નહીં.

You might also like