રામમંદિર બનશે તો દિલ્હીથી કાબુલ સુધી તબાહી મચાવશુંઃ મસૂદ અઝહરની ધમકી

નવી દિલ્હી: ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી અને પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના વડા મૌલાના મસૂદ અઝહરે બાબરી મસ્જિદને લઇને એક નવ મિનિટનો ધમકી આપતો ઓડિયો-વીડિયો જારી કર્યો છે.

મસૂદ અઝહરે એવી ખુલ્લેઆમ ધમકી આપી છે કે જો રામ‌મંદિર બનશે તો દિલ્હીથી કાબુલ સુધી તબાહી મચાવી દઇશુું. વીડિયોમાં મસૂદ અઝહર એવી ધમકી આપી રહ્યો છે કે જો ભારતમાં બાબરી મસ્જિદના સ્થાને રામમંદિર બનશે તો દિલ્હીથી કાબુલ લઇને અમારા મુસલમાન યુવાનો અને છોકરાઓ બદલો લેવા તૈયાર છે. અમે સંપૂર્ણપણે તબાહી મચાવી દેવા માટે તૈયાર છીએ.

મસૂદ અઝહરે એવો દાવો કર્યો છે કે કાબુલ અને જલાલાબાદમાં પાકિસ્તાની સંસ્થાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. મસૂદ અઝહરે જણાવ્યું છે કે અમારી બાબરી મસ્જિદ તોડી તાડીને ત્યાં મંદિર બનાવવામાં આવ્યું છે. ત્યાં હિંદુ લોકો ત્રિશૂલ સાથે એકત્ર થઇ ગયા છે અને મુસલમાનોને ડરાવવા અને ધમકાવવામાં આવી રહ્યા છે. આ સંજોગોમાં હવે ફરી એક વાર અમને બાબરી મસ્જિદ બોલાવી રહી છે.

મસૂદ અઝહર જણાવે છે કે અમે બાબરી મસ્જિદ પર ચાંપતી નજર રાખીને બેઠા છીએ. તમે રામમંદિર પર સરકારી ખર્ચ કરી રહ્યા છો તો અમે હવે અમારી જાન ખર્ચવા તૈયાર છીએ. આ ઓડિયો-વીડિયોમાં મસૂદ અઝહરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે પણ ઝેર ઓકયું છે. તેણે જણાવ્યું છે કે આ બધું મોદી ચૂંટણી જીતવા કરી રહ્યા છે. મસૂદ અઝહરે કરતારપુર કોરિડોર અંગે પણ ટિપ્પણી કરી છે. તેણે પાકિસ્તાન સરકાર દ્વારા ભારતના પ્રધાનોને બોલાવવા પર પણ નારાજગી વ્યકત કરી છે.

મસૂદ અઝહરે બાબરી મસ્જિદ મુદ્દે પોતાનો રોષ ઠાલવતાં જણાવ્યું છે કે જો બાબરી મસ્જિદના સ્થાને રામમંદિર બાંધવામાં આવશે તો ભારતે તેના ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે. મસૂદ અઝહરે આ મુદ્દે ભારતમાં સંખ્યાબંધ આતંકી હુમલા કરવાની પણ ધમકી આપી છે એટલું જ નહીં અફઘાનિસ્તાનમાં આવેલા ભારતના સંસ્થાનો પર બ્લાસ્ટ કરવાની પણ ધમકી આપી છે.

મસૂદ અઝહરે જણાવ્યું છે કે ભારતને કોઇ પણ સંજોગોમાં અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરવા દેવામાં આવશે નહીં. તેણે જણાવ્યું હતું કે રામમંદિર બાંધવામાં આવશે તો તેેના પર હુમલો કરીનેે બાબરી મસ્જિદ ધ્વંસનો બદલો લેવામાં આવશે. અમારુ આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદ ટૂંક સમયમાં અયોધ્યામાં એક મોટો હુમલો કરશે અને ભારત વિરુદ્ધ જંગ જારી રાખશે.

મસૂદ અઝહરે વધુમાં એવો આક્ષેપ કર્યો છે કે ભારતની અફઘાનિસ્તાનમાં હાજરી અનેક મુશ્કેલીઓ ઊભી કરે છે. મસૂદ અઝહરે વીડિયોમાં અફઘાની મુસ્લિમો પર અત્યાચાર કરવાનો ભારત પર આરોપ મૂકયો છે. તેણે એવો દાવો કર્યો છે કે જોભારત અફઘાનિસ્તાનમાંથી જલદી હટી નહીં જાય તો અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ સહિત ભારતના અન્ય સંસ્થાનોને તેમજ સંગઠનોને નિશાન બનાવવામાં આવશે.

મસૂદ અઝહરે એવી માગણી કરી છે કે ભારત અફઘાનિસ્તાનમાં પોતાની તમામ પ્રવૃત્તિઓ બંધ કરી દે. જો ભારત આમ નહીં કરે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદની પ્રવૃત્તિઓ વધી રહી છે. ઇન્ટેલિજન્સ એજન્સીઓને જણાવ્યું છે કે પાકિસ્તાની નાગરિક અમીર હમજા દ્વારા જારી કરવામાં આવેલ એક મેસેજ અનુસાર જૈશ-એ-મોહંમદના આતંકીઓ દિલ્હીના સુરક્ષા પ્રતિષ્ઠાનો પર હુમલા કરવાની યોજના બનાવી રહ્યા છે.

You might also like