નિર્માતામાં દમ હોય તો તે ફિલ્મ સારી રીતે રિલીઝ કરાવી શકે છેઃ રિચા

૨૦૦૮માં ‘ઓયે લકી લકી ઓયે’ ફિલ્મથી બોલિવૂડમાં આવેલી રિચા ચઢ્ઢાએ પોતાની નાનકડી કરિયરમાં બોલિવૂડમાં પોતાનું કદ એક સમર્થ અભિનેત્રી તરીકે બનાવી લીધું છે. અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’થી તેને ખાસ ઓળખ મળી.

‘ફુકરે’માં પોતાના પાત્રને તેણે ખૂબ જ એન્જોય કર્યું. તે કહે છે કે હું ખુશ છું કે મારી બંને ફિલ્મો હિટ રહી અને મારા કામને લોકોએ પસંદ કર્યું. રિચા કહે છે કે આ ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધીની મારી સફર ખૂબ નાની છે. હજુ મારે ઘણું દૂર જવું છે. મને ડાન્સ બેઝ્ડ ફિલ્મ કરવાની ઇચ્છા છે.

જો મને કોઇ ફિલ્મમાં ડાન્સરનું પાત્ર મળશે તો તે હું જરૂર કરીશ. મેં મારી મહેનતના દમ પર અહીં કારકિર્દી બનાવી છે. ફિલ્મી બેકગ્રાઉન્ડ ન હોવાના કારણે મને કોઇની સલાહ પણ મળી ન હતી.

હું આજે પણ બોલ્ડ નિર્ણય લઉં છું. સ્ટિરિયોટાઇપ ઇમેજમાં હું કેદ થવા ઇચ્છતી નથી. તેથી ક્યારેક મારા ફિલ્મોના સિલેક્શન પર લોકો હેરાન થાય છે. પહેલાંથી મેં જે કેરેક્ટર સ્વીકાર્યાં છે તે ચેલેન્જિંગ અને રિસ્કી હોય છે.

નવી ફિલ્મ સાઇન કરવી રિચાને જવાબદારીવાળું કામ લાગે છે. તે કહે છે કે ઘણી વાર એવું થાય છે કે તમારી આસપાસ એવા પાત્રની ઓફર આવે, જેને કરવા તમે બેચેન હતાં.

હું હંમેશાં પાત્રને વધુ વેલ્યૂ આપું છું. બેનર કે બજેટને નહીં. કોઇ પણ ફિલ્મ સાઇન કરતાં પહેલાં મારા પાત્રને કેટલું મહત્ત્વ છે તે જોઉં છું, જોકે ફિલ્મ નિર્માતા કોણ છે તે પણ આજે મહત્ત્વનું છે. નિર્માતામાં જેટલો દમ હોય તેટલી સારી રીતે ફિલ્મ રિલીઝ કરાવી શકે છે. •

You might also like