ગુજરીબજારનાં ટોઇલેટ લોકોએ તોડી નાખ્યાં તો મ્યુનિ.એ તાળાં મારી દીધાં

અમદાવાદ : શહેરના એ‌લિસ‌િબ્રજ છેડેના રિવરફ્ર્ન્ટ પર ર૧ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ગુજરી બજારમાં પ‌બ્લિક ટોઇલેટ આજે બંધ હાલતમાં છે અને તૂટી ગયાં છે. વર્ષ ર૦૧૪માં ગુજરી બજાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ બનાવ્યું હતું.

ગુજરી બજારમાં આવતા લોકો માટે કોર્પોરેશને ચાર પ‌િબ્લક ટોઇલેટ બનાવેલાં હતાં, જેમાંથી ત્રણ ટોઇલેટ બંધ હાલતમાં છે અને તૂટી ગયાં છે. આજે ત્રણેય ટોઇલેટનો ઉપયોગ ટ્રીગાર્ડ મૂકવા અને કચરો ભરવા માટે થઇ રહ્યો છે. આધુનિક ટોઇલેટની આવી હાલતથી કોર્પોરેશનના અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી. લાખો રૂપિયાની ખર્ચે બનેલા આ ટોઇલેટની સ્થિ‌તિ  ડં‌પિંગ સાઇટ જેવી થઇ ગઇ છે.


શહેરના નદી કિનારે હજારો કરોડ રૂપિયાના ખર્ચે બનેલા રિવરફ્રન્ટની આજે દેશ- વિદેશમાં ચર્ચા થાય છે રિવરફ્રન્ટ પર હજારો લોકો રોજ હરવા-ફરવા માટે આવે છે. રિવરફ્રન્ટમાં લોકો બો‌ટિંગની મજા લે છે ત્યારે ફ્લાવર્સપાર્કમાં પણ જાય છે. જ્યારે કોઇને જૂની અથવા સસ્તી વસ્તુઓની ખરીદી કરવી હોય તો તે રિવરફ્રન્ટ પર બનેલા ગુજરી બજારમાં દર રવિવારે જાય છે. ૯૦ના દાયકાથી એ‌લિસ‌િબ્રજના છેડે ગુજરી બજાર ભરાય છે, જે શહેરની એક ઓળખ બની ગઇ છે.

 


વર્ષ ર૦૧૧માં નદીના બન્ને કિનારે રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું કામ ધમધમી રહ્યુ હતું ત્યારે ગુજરી બજારનું શું થશે તેવો એક પ્રશ્ન ઊભો થયો હતો.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગુજરી બજારમાં ચાર આધુનિક પ‌િબ્લક ટોઇલેટ બનાવ્યાં હતાં. પ‌િબ્લક ટોઇલેટમાં વિકલાંગો માટે અલગ સુવિધા કરવામાં આવી હતી જ્યારે તેની બહાર પીવાના પાણીની પણ સુવિધા કરવામાં આવી હતી.

ચાર વર્ષ પહેલાં બનેલાં આ ટોઇલેટની હાલત અત્યારે ખંડેર જેવી છે. બહારથી આધુ‌િનક દેખાતાં ટોઇલેટની હકીકત અંદરથી કંઇક અલગ જ છે. ચાર ટોઇલેટ પૈકી ત્રણ ટોઇલેટ તૂટેલી હાલતમાં છે અને ડં‌પિંગ સ્ટેશન બની ગયાં છે. તમામ ટોઇલેટની બહાર પીવાના પાણીની સુવિધા કરવામા આવી છે, પરંતુ હજુ તેમાં ૧ર નળ લગાવવામાં આવ્યા જ નથી તો બીજી તરફ ત્રણ ટોઇલેટનાં કમોડ, વોશ બેસીન-દરવાજા તૂટી ગયા છે.


લાઇટ કનેકશન પણ નીકળી ગયાં છે. આ ટોઇલેટનો ઉપયોગ લોકો માટે નહીં, પરંતુ કચરો ભરવા માટે થઇ રહ્યો છે. ટોઇલેટમાં ટ્રીગાર્ડ અને બીજો કચરો ભરવામાં આવે છે. કેટલાક લોકોએ મોબાઇલનો ભંગાર અને જૂના બૂટ-ચપ્પલ પણ ફેંકી દીધા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વચ્છતા અભિયાનમાંથી આ જગ્યા સદંતર બાકાત છે.

રિવરફ્રન્ટ પર ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડ તમામ ટોઇલેટને તાળું મારીને રાખે છે, જેના કારણે કોઇ અસામા‌િજક તત્ત્વો અંદર ઘૂસી ના જાય. ટોઇલેટની હાલત જોતાં એવું લાગે છે કે કેટલાંક અસામા‌િજક તત્ત્વોએ તેને જાણી જોઇને તોડી નાખ્યાં છે.

આ અંગે રિવરફ્રન્ટ પ્રોજેક્ટના જનરલ મેનેજર દીપક પટેલને પૂછતાં તેઓ શરૂઆતમાં તો તમામ પબ્લિક ટોઈલેટ વ્યવસ્થિત હોવાનો દાવો કરે છે, પરંતુ પબ્લિક ટોઈલેટની બદતર હાલત પ્રત્યે તેમનું ધ્યાન દોરતાં તેઓ કહે છે, જો ગુજરી બજારનાં ટોઈલેટ તૂટેલી-ફૂટેલી હાલતમાં હશે તો ઈજનેર વિભાગને તેની જાણ કરીને તેના રિપેરિંગની તાકીદ કરીશ.
મૌલિક પટેલ

You might also like