રાદડિયા સરકાર સિવાય બીજાને ટિકિટ મળશે તો ભાજપનો વિરોધ

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ: લોકસભા માટે સૌરાષ્ટ્રમાં ઉમેદવારોની પસંદગી ભાજપ માટે માથાનો દુખાવો બન્યો છે અને સૌરાષ્ટ્રની ૩ બેઠકોમાં ઉમેદવાર નક્કી કરવા ભાજપ મથામણ કરી રહ્યું છે ત્યારે રાદડિયા પરિવાર તરફી ધોરાજી રાજકોટ સહિત નાં સ્થળોએ લાગેલાં પોસ્ટરોએ રાજકીય માહોલ ગરમાયો છે પોસ્ટરોમાં સ્પષ્ટ લખાણ છે કે “ટૂંકું અને ટચ ટિકિટ નહીં તો કોઈનેય વોટ નહીં” ભાજપની પોરબંદર લોકસભા સીટની ભૂલ, રાજકોટ, જૂનાગઢ, જામનગર સુરત સૌરાષ્ટ્રભરમાં પણ લઈ ડૂબશે જ્યાં રાદડિયા સરકારનો કરંટ આવશે”

સૌરાષ્ટ્રનું રાજકારણ અનોખું છે. સૌરાષ્ટ્રના પાટીદાર મતદારો ગમે તે રાજકીય પક્ષો માટે એક મોટી વોટ બેન્ક છે. લોકસભા ચૂંટણી ટાણે સૌરાષ્ટ્રનું રાજકારણ રાજનીતિનાં ખેરખાંઓ માટે કોયડો બની ગયું છે. કેમ કે સૌરાષ્ટ્રની રાજકોટ, પોરબંદર અને અમરેલી લોકસભા બેઠક પાટીદાર પ્રભાવિત છે. તાજેતરમાંજ નરેશ પટેલને ચૂંટણી લડવા મનાવવામાં ભાજપ સફળ થશે તેવી આશંકા સાથે જ કોંગ્રેસે દાવ અજમાવી દીધો.

કોંગ્રેસે રાજકોટ લોકસભા બેઠક માટે નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલને ટિકિટ આપવા મનામણાંના ખેલ શરૂ કર્યા. પરંતુ શિવરાજ પટેલે દાવેદાર નહીં હોવાની જાહેરાત કરતાં આ વાત પર પરદો પડ્યો છે હાલમાં પોરબંદર બેઠકને લઈને પાટીદાર ફેક્ટર પર રાજકારણ ગરમાયું છે ભાજપે ટિકિટો જાહેર કરી જેમાં પોરબંદર અને જૂનાગઢ બાકી રાખ્યું છે

પોસ્ટરમાં લખ્યું છે કે “રાદડિયા સરકાર સિવાય જો બીજાને ટિકિટ મળે તો ભલે લોહીમાં ભાજપ હોય તોય ભાજપ વિરોધ થશે ફરજિયાત રાદડિયા પરિવારને ટિકિટ મળવી જ જોઈએ હણે એને હણવામાં વાંધો નહીં કોઈ સંત પુરુષોએ કહેલું “આવાં પોસ્ટરો સાથે પક્ષને સાયલન્ટ ચીમકી આપી દેવામાં આવી છે બીજી તરફ કોરાટ પરિવારમાંથી જશુમતીબહેન કોરાટે પણ આ બેઠક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા દર્શાવી છે.

આ બેઠક માટે ભાજપના લલિત રાદડિયાનું નામ ચર્ચાઈ રહ્યું છે. જે વિઠ્ઠલ રાદડિયાના પુત્ર છે. બીજા ઉમેદવાર જશુમતીબહેન કોરાટ પણ દાવેદાર છે. આ વિસ્તારમાં રાદડિયા અને કોરાટ પરિવારનું વર્ચસ્વ છે. પોરબંદરમાં રાદડિયા પરિવારને જ ટિકિટ જોઇએ છે તેવો આગ્રહ જોવા મળી રહ્યો છે વર્તમાન સાંસદ વિઠ્ઠલ રાદડિયાની નાદુરસ્ત તબિયતને લીધે ચૂંટણી લડી શકે તેમ નથી ત્યારે એક સમયે રાજ્યના પ્રધાન અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાને લડાવવાની વાત હતી. પરંતુ જયેશભાઇ પ્રધાન હોવાથી હવે સાંસદ બનવા માગતા નથી તેવું જાણવા મળે છે. તેમના ભાઇ લલિત રાદડિયાને લડાવવાની વાત આવી હતી

You might also like