કોંગ્રેસ-JDSનાં ધારાસભ્યો સતત અમારા સંપર્કમાં, અમે ફ્લોર ટેસ્ટમાં 101% જીતીને રહીશું: યેદિયુરપ્પા

બેંગલુરૂઃ કર્ણાટકમાં હાલમાં ખૂબ જ રાજકીય ઉથલ પાથલ જોવા મળી રહી છે. ત્યારે મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાએ આવતી કાલે વિધાનસભામાં બહુમત સાબિત કરવું પડશે. સુપ્રીમ કોર્ટે આદેશ જાહેર કરીને બહુમત સાબિત કરવા માટે રાજ્યપાલ દ્વારા આપવામાં આવેલા 15 દિવસનાં સમય પર કાપ મૂક્યો છે. જેથી મહત્વનું છે કે ભાજપે આજે રાત્રે જ ધારાસભ્યોની બેઠક બોલાવી લીધી છે. બીજી બાજુ કોંગ્રેસનાં 77 ધારાસભ્યો પણ હૈદરાબાદથી બેંગલુરૂ માટે રવાના થઈ ગયાં છે.

મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ એવો દાવો કર્યો છે કે તેઓને જરૂરી બહુમત કરતા વધુ મતો મળશે. તેઓને જ્યારે પૂછવામાં આવ્યું કે શું કોંગ્રેસ-JDSનાં ધારાસભ્યો તેમનાં સંપર્કમાં છે. તો તેમણે જવાબમાં કહ્યું કે નિ:સંદેહ તેઓ અમારા સંપર્કમાં જ છે. તેમનાં સમર્થન વગર તો અમે બહુમત પણ કેવી રીતે સાબિત કરી શકીએ.

યેદિયુરપ્પાએ કહ્યું કે અમે ફ્લોર ટેસ્ટમાં 101% જીતીને જ રહીશું. આવો જ દાવો કર્ણાટકમાં પર્યવેક્ષક બનાવીને મોકલવામાં આવેલા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ કર્યો હતો. મહત્વનું છે કે એક ન્યૂઝ એજન્સીનાં જણાવ્યાં પ્રમાણે કોંગ્રેસે એક વીડિયો ક્લિપ પણ રજૂ કરી છે કે જેમાં જનાર્દન રેડ્ડી રાયચુર ગ્રામીણ બેઠકનાં ધારાસભ્યને લલચાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. આ ઓડિયો ક્લિપ પર કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે સ્પષ્ટીકરણ આપતાં કહ્યું કે આ ઓડિયો સીડી તો નકલી છે.

પ્રકાશ જાવડેકરે કર્ણાટક વિધાનસભાનાં અસ્થાઈ અધ્યક્ષ તરીકે ભાજપનાં વરિષ્ઠ ધારાસભ્ય કે જી બોપૈય્યાની નિયુક્તિનો બચાવ કરતા કોંગ્રેસે કરેલા વિરોધને કારણ વગરનો હોબાળો ગણાવ્યો છે. મહત્વનું છે કે આવતી કાલે કર્ણાટક વિધાનસભામાં યેદિયુરપ્પાએ બહુમત સાબિત કરવાનો વારો છે અને એમાં બોપૈય્યાને સદનની આ મહત્વની કાર્યવાહી કરવાનાં સંચાલનની જવાબદારી સોંપવામાં આવી છે.

જાવડેકરે ટ્વિટ કરીને પણ એમ જણાવ્યું કે,”રાજ્યપાલે 2008માં પણ કે જી બોપૈય્યાને અસ્થાયી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યાં હતાં. તેવાં સમયે તેઓની ઉંમર આજથી દસ વર્ષ નાની હતી. મહત્વનું છે કે કોંગ્રેસ કારણ વગર હોબાળો મચાવી રહી છે. કેમ કે બોપૈય્યાજીની નિયુક્તિ કાયદા મુજબ જ કરાયેલ છે.

તેઓએ વધુમાં એમ જણાવતાં કહ્યું કે,”જ્યારે તત્કાલિન રાજ્યપાલ રામેશ્વર ઠાકુરે 2008માં બોપૈય્યાને કર્ણાટક વિધાનસભાનાં અસ્થાયી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યાં હતાં ત્યારે કોંગ્રેસે તેમનો વિરોધ ન હતો કર્યો.”

You might also like