ગાય જો હવે પછાડી દેશે તો માલિક સામે ૩૦૮મી કલમ નહીં લાગે

અમદાવાદ: રસ્તા પર રખડતી ગાયો દ્વારા અકસ્માત બાદ ઢોરના માલિક ઉપર લગાવવામાં ૩૦૮ની કલમ હવે માલિકો પર લાગુ પડશે નહીં તેમ ગુજરાત ઘેટાં અને ઊન વિકાસ નિગમ લિમિટેડના અધ્યક્ષ ભવાન ભરવાડે જાહેર કરતાં માલધારી સમાજને રાહત મળી છે. અકસ્માત બાદ જે તે માલધારી પર આઇપીસીની કલમ-૩૦૮ હેઠળ ગુનો દાખલ થાય છે, જેનો અર્થ જાણી જોઇને મારવું કે જાણી જોઇને એક્સિડન્ટ કરવો તેવો થાય છે.

ચૂંટણી પૂર્વે આ કલમ હટાવવાની માગ સાથે માલધારી સમાજનું એક મોટું સંમેલન તાજેતરમાં મળ્યું હતું. માલધારીઓ વતી ભવાન ભરવાડે મુખ્યપ્રધાનને રજૂઆત કરી હતી કે ઢોર અકસ્માત સર્જે તેમાં માણસનો વાંક ન હોઇ શકે. તે અબોલ પ્રાણી છે. તેથી ઢોરના માલિક પર લાગતી કલમ તાત્કા‌િલક હટાવવી જોઇએ.

ભવાન ભરવાડના જણાવ્યા મુજબ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ફોન પર તેમને આ ૩૦૮ની કલમ હટાવી લેવા માટે આશ્વાસન આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં ઢોર દ્વારા અકસ્માત થયાના અનેક બનાવમાં માલધારીઓ પર કાનૂની કેસ ચાલી રહ્યા છે, જેમાં સૌથી વધુ સંખ્યા અમદાવાદ અને ત્યારબાદ રાજકોટની છે.

You might also like