જો બે મહિના સુધી GST રિટર્ન નહીં ભરો તો ઈ-વે બિલ જનરેટ થશે નહીં

જીએસટી ચોરી પર સરકારે કડક વલણ અખત્યાર કરીને હવે સતત હવે સતત બે મહિના સુધી જીએસટી રિટર્ન ફાઇલ નહીં કરનારા વેપારીઓ ૨૧ જૂનથી તેમના માલસામાનના પરિવહન માટે ઇ-વે બિલ જનરેટ કરી શકશે નહીં એવી જાણકારી નાણાં મંત્રાલયે આપી છે. જો વેપારીઓ કમ્પોઝિશન સ્કીમ હેઠળ સતત બે વખત (એટલે કે છ મહિના) રિટર્ન નહીં ભરે તો તેઓ પણ ઇ-વે બિલ જનરેટ કરી શકશે નહીં.

સીબીઆઇસીએ આ અંગે ૨૧ જૂન, ૨૦૧૯ની ડેટ નિર્ધારિત કરી છે. તેમાં જણાવાયું છે કે આ સમયગાળામાં જો કંપનીઓ અને વેપારીઓ રિટર્ન નહીં ભરે તો માલ મોકલનાર, માલ પ્રાપ્ત કરનાર, ઇ-કોમર્સ ટ્રાન્સપોર્ટર અને કુરિયર એજન્સી પર ઇલેક્ટ્રોનિક વે એટલે કે ઇ-વે બિલ જનરેટ કરી શકશે નહીં અને તેમના પર બિલ જનરેટ કરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવશે. જીએસટી સિસ્ટમ હેઠળ કંપનીઓને આગામી મહિનાની ૨૦ તારીખ સુધીમાં ગયા મહિનાના રિટર્ન ભરવાના હોય છે. જ્યારે કમ્પોઝિશન સ્કીમનો વિકલ્પ પસંદ કરનાર ક્વાર્ટરના અંત બાદ આગલા મહિનાની ૧૮ તારીખ સુધીમાં રિટર્ન ફાઇલ કરવાનું હોય છે.

જીએસટી નેટવર્ક દ્વારા એવી આઇટી સિસ્ટમ સ્થાપિત કરાઇ છે, જેમાં નિર્ધારિત સમયમાં રિટર્ન નહીં ભરનાર કંપનીઓના ઇ-વે બિલ જનરેટ કરવા પર રોક લાગી જશે. અધિકારીઓનું માનવું છે કે આ પગલાથી જીએસટી ચોરી રોકવામાં મદદ મળશે. ગયા વર્ષના એપ્રિલ-ડિસેમ્બરના સમયગાળામાં જીએસટી ચોરી કે ઉલ્લંઘનના ૩,૬૨૬ કિસ્સાઓ સામે આવ્યા હતા, જેમાં રૂ.૧૫,૨૭૮ કરોડની જીએસટી ચોરી કરવામાં આવી હતી. જોકે વેપારી સંઘોએ આ આદેશનો વિરોધ કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે આ આદેશના કારણે નાના વેપારીને ભારે મુશ્કેલી પડશે.

You might also like