દવાનાં ભાવ ૧૦ ટકાથી વધશે તો કંપનીઓનાં લાઈસન્સ થશે રદ્દ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે દવાની કંપનીઓ અને ઇમ્પોર્ટર્સની મનમાની પર લગામ મૂકવાનો નિર્ણય કર્યો છે. જો કોઇ પણ દવાની કંપની એક વર્ષમાં દવા અથવા ઇક્વિપમેન્ટની કિંમતમાં ૧૦ ટકાથી વધુ વધારો કરશે તો તેનું લાઇસન્સ રદ કરવામાં આવશે. આ રીતે દવાની કોઇ પણ કંપની હવે એક વર્ષમાં 10 ટકા કરતાં વધુ ભાવ વધારો કરી શકશે નહીં.

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ)એ આ આદેશ જારી કર્યો છે. આ આદેશ એનપીપીએ પોતાનાં એ રિપોર્ટ બાદ જારી કર્યો છે કે જેમાં એવો ખુલાસો થયો હતો કે પ્રાઇવેટ હોસ્પિટલ પોતાનાં ત્યાં દવાનાં પેકેજ પર વધુ એમઆરપી લખાવે છે અને તોતિંગ નફો કમાય છે.

એનપીપીનાં ગત સપ્તાહે જારી કરવામાં આવેલા આદેશમાં જણાવાયું છે કે જો દવાની કંપનીઓ એમઆરપીથી 10 ટકા વધુ કિંમત એક વર્ષમાં વધારશે તો તેની પાસેથી વ્યાજ સહિત વધારાની કિંમત વસૂલ કરવામાં આવશે. એટલું જ નહીં, આવી કંપનીઓ પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવશે.

વધારેલ કિંમતનું વ્યાજ જે તારીખથી કંપનીઓએ ખોટી રીતે એમઆરપી વધારી હશે તે તારીખની અસરથી આ વ્યાજ વસૂલ કરવામાં આવશે. એનપીપીએનાં આ આદેશનો અમલ કરવાની અને તેનું મોનિટરિંગ કરવાની કામગીરી સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ)ને સોંપવામાં આવી છે.

એનપીપીએ આ અંગે CDSCOને જણાવ્યું છે કે,”દવા અને ઇક્વિપમેન્ટ કંપનીઓ જો આ નિયમ અને આદેશનું પાલન ન કરે તો તેમનાં લાઇસન્સ રદ્દ કરવામાં આવે એટલું જ નહીં, એસેન્શિયલ કોમોડિટી એક્ટ હેઠળ કાનૂની કાર્યવાહી કરવા માટે પણ એનપીપીએ CDSCOને આદેશ કર્યો છે. દેશમાં CDSCO દવા કંપનીઓને દવા બનાવવા, વેચવા તેમજ આયાત કરવાનું લાઇસન્સ આપે છે.”

You might also like