સલમાન ન હોત તો હું અભિનેત્રી ન હોતઃ ઝરીન ખાન

આજે ઝરીન ખાન કોઇ પણ વસ્તુ ખૂબ જ સમજી-વિચારીને કરવામાં માને છે. તે કહે છે કે તેની પાછળનું કારણ એ છે કે હું કોઇ પણ ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવતી નથી. જો એ‍વું હોત તો સલમાન ખાન સાથે કામ કર્યા છતાં પણ મારી પહેલી ફિલ્મ ‘વીર’ માટે મારે ટીકાઓ સહન ન કરવી પડી હોત.

આ જ કારણ છે કે હું હવે સમજી-વિચારીને ફિલ્મોની પસંદગી કરું છું, કેમ કે મારા મનમાં હંમેશાં શંકા રહે છે કે ક્યાંક હું કંઇક એવું ન કરી લઉં, જેના કારણે બાદમાં મારે પસ્તાવું પડે. તેથી હું કોઇ પણ ફિલ્મ માટે હા કહેતાં પહેલાં થોડો સમય લઉં છું.

‘હેટ સ્ટોરી-૩’, ‘અક્ષર-૨’ અને ‘૧૯૨૧’ જેવી ફિલ્મો કર્યા બાદ ઝરીનના ભાગમાં બોલ્ડ પાત્રો જ આવી રહ્યાં છે. તે કહે છે કે હા, એ વાત સાચી છે, પરંતુ એ વાત પણ એટલી જ સાચી છે કે આજે પણ હું બોલ્ડ રોલમાં અસહજતા અનુભવું છું. ફિલ્મમાં રોમેન્ટિક સીન શૂટ કરવા દરમિયાન મારી સામે ઘણી બધી ચેલેન્જ હોય છે.

તમારે સ્ક્રીન પર સાચા દેખાવું પડે છે, જે ખૂબ મુશ્કેલ હોય છે. લોકો ઘણી વાર ઇન્ટિમેટ સીન કરવાના કારણે તમને નીચા પાડવાની કોશિશ કરતા રહે છે, પરંતુ ઇમાનદારીથી કહું તો ઘણા એવા સીન હોય છે, જે શૂટ કરવામાં મુશ્કેલી આવે છે. ઝરીન સલમાનનો આભાર માનતાં કહે છે કે જો તેઓ ન હોત તો કદાચ હું ક્યારેય અભિનેત્રી ન બની શકત.

આજે લોકો મને ઓળખે છે તો ‘વીર’ ફિલ્મના કારણે. ભલે તે ફિલ્મ સફળ ન રહી હોય, પરંતુ તે મારી ઓળખ છે અને મારા દિલની ખૂબ જ નજીક છે. •

You might also like