આજે નહિ તો કાલે, કાલે નહિ તો થોડાક જન્મો પછી તપનું ફળ મળે જ છે..

પૃથ્વીનો ઉદ્ભવ થયો તે સમયની આ વાત છે. અવની ઉપર ત્યારે માત્ર જળ અને જમીન જ હતી. ન તો આકાશમાં વાદળ એ આકાર લીધો હતો, ન તો પક્ષીઓનો કલરવ હતો, ન તો ગ્રહો અને તારાઓની મનમોહક ગૂઢ રંગોળી. ન તો જમીન ઉપર માનવ મલકતો હતો, ન તો પશુઓની ચહલપહલ હતી, ન તો વૃક્ષોની શીતળતા હતી.

બસ, ઉપર દૂર દૂર સુધી આકાશ અને અનંતતા અને નીચે જમીન ઉપર જળનું ગંભીર સ્થિર ઊંડાણ, પર્વતોની વેધક સ્થિરતા, જમીનનું અમાપ મૌન પથરાયેલું હતું.

જળને થયું લાવ આ અવનીને હું જળથી રંગી નાખું, અવનીને હું જળમય કરી નાખું એટલે જળમાં મોજાં નિર્માણ થયાં અને મોજાઓ જમીન તરફ કૂચ કરવા લાગ્યા.

જમીન પર અથડાય અને આગળ વધે પણ વિશ્વંભર વિષ્ણુએ કંઈ અલગ વિચારી રાખ્યું હતું તેથી મોજાં થોડું આગળ વધી શક્યાં પણ તેનાથી આગળ ન જઈ શક્યાં – પૃથ્વી તરફ અથડાય અને પાછાં વળે. જળ વિચારે આ શું? હું કેમ આગળ કૂચ ના કરી શકું એટલે તેણેે મોટાં મોજાં નિર્માણ કર્યાં પણ પરિણામ તે જ!

આ બાજુ પૃથ્વીના સંહારક શિવ, સર્જનકાર બ્રહ્માની સામે જોઈને મલકાય, સંચાલન કરનાર વિષ્ણુ કહે કે થોડા દિવસમાં, આ જળ થાકી જશે અને સ્થિર થઈ જશે, કૂદવા દો એને – ક્યાં સુધી તેનો ઉત્સાહ ટકશે?

દિવસો વીત્યા, માહ વીત્યા, વર્ષો વીત્યાં પણ આ જળનો ના તો જુસ્સો ઓછો થાય ન તો પ્રયત્ન! સર્જનહાર બ્રહ્મા આ ખેલ નિહાળે તે પહોંચ્યા સંચાલક વિષ્ણુ પાસે અને તપસ્વી નટરાજ પાસે ‘શિવ વિષ્ણુ, આ જળ ન તો થાકે છે ન તો હારે છે ન તો માગે છે’.

વિષ્ણુ કહે કે હા, તે જીદ્દી છે.

શિવ કહે કે આટલા પ્રયત્ન અને જુસ્સા સાથેનું કાર્ય તપસ્વી જ કરી શકે પણ માગે ના તો અપાય ના!

બ્રહ્માઃ માગે તો પણ ના અપાય ભોલે! તેની જીદ્દ સંતોષીશું તો અવની જળબંબાકાર થઈ જશે!

વિષ્ણુઃ પણ તપ કરે તેને ના મળે તે તપનું અપમાન છે.

બ્રહ્માઃ ચાલો , થોડો સમય રાહ જોઈંએ, કોઈક ઉપાય વિચારીએ. તેઓ છુટા પડ્યા.

વર્ષો વીત્યા-૧ યુગ જેટલો સમય વીતી ગયો, પણ આ જળનો ના તો જુસ્સો ઓછો થાય ન તો પ્રયત્ન!

બ્રહ્મા-વિષ્ણુ-મહેશ પહોંચ્યા જળ પાસે અને કહે કે તપસ્વી તારી માગ શું છે, વરદાન આપું તને?
જળ બોલ્યું કે બસ! આ જમીનને મારામાં સમાવી લઉં.

બ્રહ્મા ,વિષ્ણુ અને મહેશઃ તે શક્ય નથી.

જળ બોલ્યું કે કંઈ વાંધો નહિ, હું પ્રયત્ન ચાલુ રાખીશ, મળવું શક્ય ન હોય પણ મેળવવાનો પ્રયત્ન કરવો તે તો મારો અધિકાર છે.

બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ મુંઝાયા. કંઈ આપવું તો પડે જ, તપસ્વીને આપવું એ તો બ્રહ્મનો સિદ્ધાંત છે, એ પછી દેવ હોય કે દાનવ-પ્રયત્ન કરે તેને તેનું ફળ મળવું જ જોઈએ! શિવ બોલ્યા કે પ્રયત્ન અને જુસ્સો હોય ત્યાં તેજ અને પ્રકાશ નિર્માણ થાય.

આ સાંભળી વિષ્ણુ અને બ્રહ્મા ખડખડાટ હસ્યા અને શિવ બોલ્યા કે હે બ્રહ્મા, કરો લીલા નિર્માણ કરવાની. બ્રહ્મા એ નિર્માણ કર્યો પ્રથમ આદિદેવ “સૂર્ય” .

સૂર્ય આજે પણ જળને ખેંચી વાદળ નિર્માણ કરે છે અને વાદળો એ જળને જમીન ઉપર વર્ષાવે છે. આમ, જળનું તપ જમીનને જળમય બનવાનું પૂરું થયું અને આજે પણ જળ (દરિયો )જમીન ઉપર અથડાઈ મોજાં નિર્માણ કરી આપણને સંદેશ આપે છે કે જો સાચો પ્રયત્ન અને હૃદયમાં અમાપ જુસ્સો હશે તો તપની કિંમત ભગવાન ને પણ હસ્તગત કરી ચૂકવવી પડશે.

પ્રયત્ન અને જુસ્સામાંથી જ તપનું નિર્માણ થાય છે, તપ કરે તેને મળે કદાચ આજે નહિ તો કાલે, કાલે નહિ તો થોડાક જન્મો પછી તપનું ફળ મળે જ છે.•

You might also like