દર મહિને દર્શ શ્રાદ્ધ કરવું અશક્ય હોય તો શ્રાદ્ધ ક્યારે કરવું?

સામાન્યપણે દર વર્ષે મનુષ્યનાં મરવાની તિથિને દિવસે (અંગેજી તારીખ અનુસાર નહીં, તો હિંદુ પંચાંગ પ્રમાણેની તિથિએ) શ્રાદ્ધ કરવું. મૃત્યુ તિથિ ખબર ન હોય, પણ ફક્ત મહિનો ખબર હોય, એવે સમયે તે મહિનાનાં અમાસનાં દિવસે શ્રાદ્ધ કરવું. મૃત્યુ તિથિ અને મહિનો બંને ખબર ન હોય, તો મહા અથવા માગશર અમાસના દિવસે શ્રાદ્ધ કરવું.

દર મહિને દર્શ શ્રાદ્ધ કરવું અશક્ય હોય તો ચૈત્ર, ભાદરવો અને આસો મહિનાની અમાસના દિવસે તો કરવું જ. દર્શ શ્રાદ્ધ ચૈત્ર, ભાદરવો અને આસો મહિનાનાં અમાસનાં દિવસે કરવું શક્ય ન હોય તો ભાદરવા મહિનાનાં પિતૃ પક્ષમાં મહાલય શ્રાદ્ધ તો અવશ્ય કરવું. તે પણ અશક્ય હોય તો, ભાદરવો મહિનાની અમાસના દિવસે (સર્વ પિતૃ અમાસને દિવસે) તો શ્રાદ્ધ કરવું જ.
નિશ્ર્ચિત મૃત્યુ તિથિ ખબર ન હોય, મૃત્યુની બાતમી મળેલા દિવસે શ્રાદ્ધ કરવું.

પિતૃનું શ્રાદ્ધ દરરોજ કરવું જોઈએ. તે ઉદકથી, એટલે પિતૃને તર્પણ કરીને પણ કરી શકાય છે. પિતૃનું શ્રાદ્ધ દરરોજ કરવું અશક્ય હોય, તો દર્શ શ્રાદ્ધ કરવું. એનાથી નિત્ય શ્રાદ્ધની સિદ્ધિ થાય છે. દર્શ એટલે અમાસ. દર્શ શ્રાદ્ધ એટલે દર મહિનાના અમાસના દિવસે કરવાનું શ્રાદ્ધ.

શ્રાદ્ધ માટે યોગ્ય સ્થાન કયું છે ?
વનમાં, પુણ્યસ્થાન પર અથવા બને તો પોતાના ઘરમાં ભોંયતળિયે શ્રાદ્ધ કરવું. આપણા ઘરમાં જો શ્રાદ્ધ કરીએ તો તીર્થની તુલનામાં આઠગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. લગભગ ૫૦ ટકા પિતૃ સાધનાના અભાવથી અને વાસનાઓનું પ્રમાણ અધિક હોવાને કારણે પોતાની પારંપારિક વાસ્તુમાં જ વસવાટ કરતા હોય છે.

તેથી એ જ વાસ્તુમાં શ્રાદ્ધ ઇત્યાદિ વિધિ કરવાથી તેમને તેમનો હવિભાગ ગ્રહણ કરવો સહજ શક્ય થાય છે. તેથી પિતૃ સંતોષ પામવાનું પ્રમાણ પણ વધારે હોય છે. પ્રસંગે અન્યના ઘરમાં તેમની અનુમતિ લઈને શ્રાદ્ધ કરીએ તો પણ ચાલે.

શ્રાદ્ધ માટેની યોગ્ય જગા કઈ ?
દક્ષિણ બાજુએ ઊતરતી એવી જગા શ્રાદ્ધ માટે સારી હોય છે. ગાયનાં છાણથી લીંપેલી, તેમ જ કીડા વગેરે પ્રાણી અને અપવિત્ર વસ્તુઓ વિનાની ભૂમિ શ્રાદ્ધ માટે સારી હોય છે. જે જગ્યા કોઈ પણ વ્યક્તિની માલિકીની ન હોય એવાં ઠેકાણાં, એટલે વનો, પર્વત, નદીઓ, તીર્થો, મોટાં સરોવરો, દેવાલયો એ ઠેકાણે શ્રાદ્ધ કરવામાં વાંધો નથી.

શ્રાદ્ધ માટે લાગનારાં ઉપકરણો
સર્વસાધારણ ઉપકરણો (શ્રાદ્ધ દ્રવ્યો) આસન, ત્રણ થાળીઓ, લોટો, આચમની-પંચપાત્ર, દર્ભ, સફેદ ઊન, વસ્ત્ર, ધોતર, જનોઈની જોડી, પંચો, શાલ, ચાદર, સફેદ ગંધ, ઘસેલું ગોપીચંદન, કાજળ અથવા સુરમાે, કપૂર, ધૂપ, દીપ, સુવાસિત સફેદ ફૂલો, માળા, તુલસી, સોપારી, અગસ્તીનાં પાન, નાગરવેલની ડીંટા સાથેનાં પાનો, સાતુ, વ્રીહિ (ન સડેલા ચોખા), યવ (જવ), અડદ, ઘઉં, મગ અને રાઈ, મધ, છૂટા પૈસા, ભસ્મ, કેળાંનાં પાન અથવા મોહાની પત્રાવળી, કેળાંના દડિયા, તૈયાર થયેલી રસોઈ, ઘી અને સમય અનુસાર દક્ષિણા.•

You might also like