કાઉન્ટીમાં ના રમ્યો હોત તો મને પ્રથમ ટેસ્ટમાં જ રમવાની તક મળી જાતઃ પૂજારા

નોટિંગહમઃ ચેતેશ્વર પુજારાએ ઈંગ્લેન્ડ સામે નોટિંગહમ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં શાનદાર ૭૨ રન બનાવ્યા. પુજારાએ પોતાની નેચરલ ગેમ રમતાં ૨૦૮ બોલમાં ૭૨ રન બનાવ્યા. પ્રશંસકો અને સમીક્ષકો ભલે પુજારાની ટીકા કરી રહ્યા હોય, પરંતુ તે જાણતો હતો કે તેનું ફોર્મ યોગ્ય છે અને મોટો સ્કોર ફક્ત એક ઇનિંગ્સ દૂર છે.

પુજારાને પ્રથમ ટેસ્ટમાં રમાડવામાં આવ્યો નહોતો. તેથી તે નિરાશ થયો હતો. આ અંગે પુજારાએ કહ્યું, ”ટીમ કોમ્બિનેશનના કારણે અંતિમ ઈલેવનમાંથી બહાર રહેવું બહુ ખરાબ લાગે છે, પરંતુ હવે ટીમમાં પાછા ફરી રન બનાવીને સારું લાગે છે.

જો હું ઈંગ્લેન્ડની કાઉન્ટીમાં ના રમ્યો હોત તો મને શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં રમવાની તક મળી હોત, પરંતુ કાઉન્ટમાં રમવું હંમેશાં સારું લાગે છે અને હું કાઉન્ટી દરમિયાન ઈંગ્લેન્ડની પડકારજનક પીચ પર રમ્યો. અહીં તમે ઘણી વાર આઉટ થઈ જાવ છો, પરંતુ આ એક સારી તૈયારી છે.”

ઉલ્લેખનીય છે કે કાઉન્ટીમાં સારું પ્રદર્શન નહીં કરવાના કારણે જ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પુજારાને પ્રથમ ટેસ્ટની ટીમમાં સ્થાન નહોતું આપ્યું. આ અંગે પુજારાએ કહ્યું, ”મેં આ સિઝન વધુ રન નથી બનાવ્યા. મેં કાઉન્ટીમાં પણ વધુ રન નથી બનાવ્યા, જોકે હવે ૭૨ રનની ઇનિંગ્સ રમીને સારું લાગે છે.”

You might also like