હાફિઝ સઇદને છોડાશે તો પાક. પર અનેક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો

લખનૌ: પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે પાકિસ્તાની ન્યાયિક સમીક્ષા બોર્ડને જણાવ્યું છે કે મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ અને જમાત-ઉદ-દાવાના સૂત્રધાર આતંકી હાફિઝ સઇદને નજરકેદ રાખવામાં નહીં આવે તો આંતરરાષ્ટ્રીય સમુદાય નારાજ થશે. એવી પણ ચીમકી આપવામાં આવી છે કે જો હાફિઝ સઇદને છોડી દેવામાં આવશે તો પાકિસ્તાન પર અનેક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાગી શકે છે.

અાવું કહીને પંજાબ સરકારે હાફિઝ સઇદની નજરકેદ વધુ ત્રણ મહિના જારી રાખવા માટે ન્યાયિક સમીક્ષા બોર્ડ પાસે મંજૂૂરી માગી છે.
પંજાબના ગૃહ મંત્રાલયે સમીક્ષા બોર્ડ સમક્ષ જણાવ્યું છે કે જો હાફિઝ સઇદને જો અત્યારે છોડી મૂકવામાં આવશે તો પાકિસ્તાન પર અનેક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાગી શકે છે.

તેમણે જણાવ્યું હતું કે હાફિઝ સઇદની ઇન્ટેલિજન્ટ રિપોર્ટને આધારે ધરપકડ કરવામાં આવી હતી. પંજાબ પ્રાંતના એક અધિકારીએ સમીક્ષા બોર્ડને જણાવ્યું હતું કે અમારો આગ્રહ છે કે સમીક્ષા બોર્ડ હાફિઝ સઇદને છોડે નહીં કારણ કે પાકિસ્તાનને અનેક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનો સામનો કરવો પડશે.

અધિકારીએ બોર્ડને એવું પણ જણાવ્યું છે કે સંઘીય નાણાં મંત્રાલય પાસે હાફિઝ સઇદ વિરુદ્ધ કેટલાક મહત્ત્વના પુરાવા ઉપલબ્ધ છે જે સઇદની નજરકેદને યોગ્ય ઠરાવે છે. બોર્ડે સંઘીય નાણાં મંત્રાલયને હાફિઝ સઇદ અંગેના પુરાવા અને સંબંધિત રેકોર્ડ સુપરત કરવા આદેશ કર્યો હતો.

You might also like