આ તો હદ થઈ ગઈ… છ ટેસ્ટ રમેલા MSK પ્રસાદે ધોનીને એલ્ટમેટમ આપ્યું!

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ મેદાન પર વિરોધી ટીમને પરાસ્ત કરવામાં કોઈ કસર છોડી રહી નથી. ખેલાડી દેશ માટે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી છે, પરંતુ પડદા પાછળ ભારતીય ક્રિકેટમાં કંઈક ને કંઈક એવું થતું જ રહે છે, જે ઘણા સવાલો ઊભા કરીદે છે. આ એવી વાત છે, જે હજમ થતી નથી અને શરમજનક પરિસ્થિતિમાં મૂકી દે છે. ભારતીય ક્રિકેટની પસંદગી સમિતિના મુખ્ય પસંદગીકાર અને ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન એમએસકે પ્રસાદ. આ પ્રસાદે પોતાનાં તાજાં નિવેદનથી દેશભરના ક્રિકેટ ચાહકોને આક્રોશિત કરી દીધા છે અને સોશિયલ મીડિયા પર ચાહકો પ્રસાદ પર જબરદસ્ત ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

અસલમાં શ્રીલંકા સામે વન ડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત થઈ અને ત્યાર બાદ પ્રસાદનું નિવેદન આવ્યું કે, ”પસંદગી સમિતિની બેઠકોમાં ધોની પર ચર્ચા થતી આવી છે, પરંતુ જો ધોનીનું ફોર્મ સંતોષકારક ના રહ્યું તો તેના વિકલ્પો અંગે વિચારવું પડશે. હવે ધોની ઓટોમેટિક ચોઇસ નથી રહ્યો.” એટલે કે ધોનીને આ સીધેસીધી ચેતવણી છે ે તે સારું પ્રદર્શન કરે, નહીંતર ૨૦૧૯ના વર્લ્ડકપ પહેલાં તેને વન ડે ટીમની બહાર કરી દેવાશે.

જાણો આ મહાશય પ્રસાદને…
સ્પષ્ટ છે કે જો કોઈ ખેલાડી સારું પ્રદર્શન ના કરે તો તેના વિકલ્પો અંગે વિચારણા કરાય, પરંતુ ચાહકોનાે ગુસ્સાે કારણ પણ વાજબી છે. ગુસ્સાનું કારણ છે મુખ્ય પસંદગીકારની ખુદની કરિયર. એમએસકે પ્રસાદ ખુદ પણ એક વિકેટકીપર-બેટ્સમેન હતા, પરંતુ ભારતના સૌથી સફળ કેપ્ટન ધોની સામે તેમની કરિયર ક્યાંય નજરે પડે તેવી નથી. પ્રસાદે પોતાની આંતરરાષ્ટ્રીય કરિયરમાં માત્ર છ ટેસ્ટ રમી છે, જેમાં તેમના નામ પર માત્ર ૧૦૬ રન નોંધાયેલા છે. આ દરમિયાન વિકેટકીપર તરીકે તેમણે ૧૫ કેચ ઝડપ્યા છે, પરંતુ એક પણ સ્ટમ્પિંગ તેમણે કર્યું નથી. પ્રસાદે ૧૭ વન ડેમાં ૧૩૧ રન, ૧૪ કેચ અને કુલ સાત સ્ટમ્પિંગ કર્યાં. આજે તેઓ મુખ્ય પસંદગીકાર છે અને તેઓ એક એવા ખેલાડી (ધોની)ની કરિયાર ખતમ કરવાની સત્તા ધરાવે છે, જેના આંકડા કંઈક આવા છે. ધોની ૯૦ ટેસ્ટમાં ૪૮૭૬ રન, ૨૫૬ કેચ અને ૩૮ સ્ટમ્પિંગ કરી ચૂક્યો છે, જ્યારે ૨૯૬ વન ડેમાં ધોની ૯૪૯૬ રન, ૨૭૮ કેચ અને ૯૭ સ્ટમ્પિંગ કરી ચૂક્યો છે. આ ઉપરાંત ટી-૨૦ ક્રિકેટમાં ધોની ૭૭ મેચમાં ૧૨૧૧ રન, ૪૩ કેચ અને ૨૩ સ્ટમ્પિંગ કરી ચૂક્યો છે. આ ઉપરાંત ભારતને પોતાની કેપ્ટનશિપમાં ટી-૨૦ વિશ્વકપ, વન ડે વિશ્વકપ, આઇસીસી ચેમ્પિયનશિપ ટ્રોફી હાંસલ કરાવવાની સાથે સાથે ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને નંબર વન બનાવવા વાળો એક માત્ર કેપ્ટન.

વિચિત્ર રહી છે BCCIની પસંદગી સમિતિ
ભારતીય ક્રિકેટમાં હંમેશાં પડદા પાછળની કહાણી કંઈક વિચિત્ર જ રહે છે. ભારતીય ક્રિકેટ બોર્ડમાં વર્ષોથી એવા લોકો ટોચના સ્થાને બિરાજમાન થયા છે, જેમને ક્રિકેટ સાથે દૂર દૂર સુધી કોઈ નાતો રહ્યો નથી. આ લોકો પસંદગી સમિતિની નિમણૂકનો નિર્ણય પણ કરતા રહે છે. પસંદગી સમિતિમાં ભૂતપૂર્વ ક્રિકેટર્સ તો પસંદ થાય જ છે, પરંતુ એવાં બહુ ઓછાં નામ જોવા મળે છે, જેમના નિર્ણયનું સન્માન આખો દેશ કરતો નજરે પડ્યો હોય. આ વખતે તો હદ જ થઈ ગઈ, કારણ કે એક ટોચની ટીમની પસંદગીનો અંતિમ નિર્ણય એવા હાથમાં છે, જેઓ કરિયરની સરખામણીમાં વર્તમાન ટીમના યુવાન ખેલાડીઓ કરતા પણ ઘણા પાછળ છે.

You might also like