જો અમેરિકા પ્રતિબંધો નહીં હટાવે તો અમે શાંતિનો માર્ગ છોડી દઈશુંઃ કિમ જોંગ ઉન

પ્યોંગયાંગ: ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગે પોતાના નવા વર્ષના ભાષણમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ધમકી આપતાં જણાવ્યું હતું કે જો અમેરિકા ઉત્તર કોરિયા પરના પ્રતિબંધો હટાવવા વિચારશે નહીં તો અમે શાંતિનો માર્ગ બદલી શકીએ છીએ, કારણ કે દેશની સુરક્ષા અને હિત માટે આ જરૂરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઇ સાલ ૧ર જૂનના રોજ ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ ઉન અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સિંગાપોરમાં પ્રથમ વખત શાંતિ મંત્રણા થઇ હતી અને તેમાં એવી સંમતિ સધાઇ હતી કે ઉત્તર કોરિયા પોતાના પરમાણુ કાર્યક્રમને બ્રેક મારી દેશે.

બંને નેતાઓની ચર્ચા બાદ ઉત્તર કોરિયાએ એક પણ મિસાઇલનું પરીક્ષણ કર્યું નથી તેમ છતાં અમેરિકાએ ઉત્તર કોરિયાને પોતાના પ્રતિબંધમાંથી કોઇ રાહત આપી નથી. કિમ જોંગ ઉને રાષ્ટના ટેલિવિઝન પર જણાવ્યું હતું કે જો અમેરિકા દુનિયાની સામે આવીને પ્રતિબંધ હટાવવાનું પોતાનું વચન પાલન કરશે નહીં અને અમારા પર દબાણ બનાવવાનું ચાલુ રાખશે તો અમારે બીજો માર્ગ અપનાવવો પડશે. રાષ્ટ્રહિત અને સાર્વભૌમત્વ માટે આ જરૂરી છે.

કિમ જોંગ ઉનના જણાવ્યા પ્રમાણે જરૂર પડે હું પ્રમુખ ટ્રમ્પ સાથે ફરીથી વાતચીત કરવા પણ તૈયાર છું કે જેથી બહેતર ભવિષ્ય માટે યોગ્ય રણનીતિ અપનાવી શકાય. મને લાગે છે કે સમગ્ર વિશ્વ તેને આવકારશે. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને એમ પણ જણાવ્યું છે કે અમેરિકા અને દ‌િક્ષણ કોરિયાએ સંયુકત યુદ્ધ કવાયત કરવી જોઇએ નહીં, કારણ કે તેનાથી તંગદિલી વધે છે.

You might also like