સીએ તેહમૂલ શેઠના વિરુદ્ધની પોલીસ તપાસ મંથરગતિએ

અમદાવાદ: IDS હેઠળ 13,860 કરોડ જાહેર કર્યા બાદ 1,560 કરોડનો પહેલો હપ્તો ભરવામાં નિષ્ફળ નિવડેલા મહેશ શાહના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) તેહમૂલ બરજોર શેઠના વિરુદ્ધમાં તેમની પત્નીએ કરેલી 1.38 કરોડની છેતર‌િપંડીની ફરિયાદમાં પોલીસે હજુ સુધી કોઇ પણ કાર્યવાહી નહીં કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. દસ દિવસ પહેલાં નોંધાયેલી ફરિયાદમાં નવરંગપુરા પોલીસે હજુ સુધી તેહમૂલ શેઠનાને પૂછપરછ માટે પણ બોલાવ્યા નથી.

અપ્પાજી અમીન એન્ડ કું.ના સીએ તેહમૂલ શેઠનાનાં પત્ની કમલરુખ શેઠનાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેહમૂલ શેઠનાએ તેમની જાણ બહાર 2014થી અત્યાર સુધીમાં ખોટી સહી કરીને સાઉથ ઈન્ડિયન બેન્કના જોઈન્ટ ખાતામાંથી 80 લાખ અને ડિબેટ એકાઉન્ટમાંથી અગાઉ ખરીદેલા શેરના કુલ 58 લાખ રૂપિયા સિંગલ એકાઉન્ટમાં નાખી કુલ 1,38,35,000ની છેતરપિંડી કરી હોવાના આક્ષેપ કર્યા હતા.

તેહમૂલ શેઠના સામે સાઉથ ઇન્ડિયન બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્કના એકાઉન્ટમાં ફ્રોડ કરવામાં આવ્યું હોવાની તપાસ શરૂ થઇ હતી, જેના દસ્તાવેજી પુરાવા એકત્ર કરવાની પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.વી. દેસાઇએ જણાવ્યું છે કે આ કેસમાં બેન્ક પાસેથી અસલ દસ્તાવેજો માગવા માટેની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે જરૂર પડશે તો તેહમૂલ શેઠનાને જવાબ માટે બોલાવાશે.
http://sambhaavnews.com/

You might also like