ચંદા કોચરની પૂછપરછની શક્યતાથી ICICI બેન્કનો શેર છ ટકા ડાઉન

મુંબઇ: આઇસીઆઇસીઆઇ બેન્ક અને વીડિયોકોનના મામલે સીબીઆઇએ તપાસ શરૂ કરી દીધી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ સીબીઆઇએ વીડિયોકોન કંપનીના અધિકારીઓ અને દીપક કોચરની વિરુદ્ધ પ્રાથમિક તપાસ સરૂ કરી છે. દીપક કોચર આઇસીઆઇસીઆઇ બેન્કના સીઇઓ ચંદા કોચરના પતિ છે.

સીબીઆઇએ આ મામલે પુરાવાઓ ભેગા કરવાની સાથે બેન્કના નોડલ ઓફિસરનું નિવેદન પણ લીધું છે. વીડિયોકોનને લોન આપવામાં આ નોડર ઓફિસરની મુખ્ય ભૂમિકા છે. એટલું જ નહીં દીપક કોચરને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે તથા આઇસીઆઇસીઆઇ બેન્કના સીઇઓ ચંદા કોચરની પણ પૂછપરછ થઇ શકે છે, જેના પગલે આજે શરૂઆતે આ બેન્કના શેરમાં ૬.૨૦ ટકાનું ગાબડું પડ્યું હતું.

આ શેર રૂ. ૨૬૧.૨૫ના મથાળે ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો. નોંધનીય છે કે આ અગાઉ છેલ્લે આ બેન્કનો શેર રૂ. ૨૭૮.૪ના મથાળે બંધ થયો હતો.આ અગાઉ ગુરુવારે આઇસીઆઇસીઆઇ બેન્કે ચંદા કોચર-વીડિયોકોનના મામલે સ્પષ્ટતા કરી હતી.

બેન્કના ચેરમેન એમ.કે. શર્માએ કહ્યું હતું કે ચંદા કોચરની વિરુદ્ધના આરોપ બેબુનિયાદ છે. બેન્કની શાખ ખરાબ કરવા માટે આ કૌભાંડ રચવામાં આવ્યું છે. ૨૦ બેન્કોએ મળીને વીડિયોકોન ગ્રૂપને રૂ. ૪૦ હજાર કરોડની લોન આપવામાં આવી છે, જેમાંથી આઇસીઆઇસીઆઇ બેન્કનો હિસ્સો ૧૦ ટકાથી પણ ઓછો છે, જે કમિટીએ લોનને મંજૂર કરી છે તેમાં ચંદા કોચરનો કોઇ રોલ નથી.

You might also like