પનામા પેપર્સ : આઇસલેન્ડના વડાપ્રધાન ગુનલગસને રાજીનામુ આપ્યું

આઇસલેન્ડ : પનામા પેપર્સ લીક બાદ આખા વિશ્વમાં ચકચાર મચી ચુક્યો છે. હવે તેની અસરો પણ દેખાવા લાગી છે. આ મુદ્દે સતત દબાણ સહન કરી રહેલા આઇસલેન્ડનાં વડાપ્રધાન સિંગમંડર ગુનલગસને પોતાનું રાજીનામું આપી દીધું છે. આ સાથે જ ગુનલગસને રાષ્ટ્રપતિ સમક્ષ સંસદનો ભંગ કરવાનો પ્રસ્તાવ પણ મુક્યો હતો. પનામા પેપર્સ લીક મુદ્દે આઇસલેન્ડનાં વડાપ્રધાન સિંગમંડર ગુનલગસન પર ગંભીર પ્રકારનાં આરોપો લાગ્યા હતા. આરોપ છે કે ગુનલગસને પોતાની પત્ની સાથે મળીને 2007માં એક વિદેશી કંપની સ્થાપિત કરી હતી. જેમાં ત્યારથી અત્યાર સુધીમાં બિનકાયદેસર રીતે કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું.

ગુનલગનસનાં રાજીનામાની માંગ સાથે સોમવારે જબરદસ્ત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમણે રાષ્ટ્રપતિ સમક્ષ સંસદ ભંગ કરવાનો પ્રસ્તાવ પણ મુક્યો હતો સાથે સાથે પોતાનાં પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. સૌથી ચોકાવનારી બાબત છે કે પનામા પેપર લીક થયા બાદથી જ સમગ્ર વિશ્વમાં ચકચાર મચી ચુક્યો છે. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં અમેરિકા ખાતેની એક એનજીઓનાં સંશોધન કરતા પત્રકારોનો મહાસંઘ (આઇસીઆઇજે)નો મહત્વનો ભાગ રહ્યો હતો.

આ કૌભાંડમાં દેશ વિદેશની અનેક હસ્તીઓ લપેટામાં આવી ગઇ હતી. મનોરંજન,રાજકીય અને રમત ક્ષેત્રનાં અનેક દિગ્ગજો કે જે પોતાની સ્પષ્ટ છબી લઇને વિશ્વમાં ફરતા હતા તેઓની છબી એક જ ધડાકે ધુંધળી થઇ ગઇ હતી. 140થી વધારે રાજકારણીઓનાં નામ બહાર આવ્યા હતા. જેમાં રશિયાનાં રાષ્ટ્રપતિથી માંડીને પાકિસ્તાનનાં વડાપ્રધાન સુધીનાં નામ બહાર આવ્યા હતા. ભારતનાં પણ ઘણા ઉદ્યોગપતિઓનાં નામ બહાર આવ્યા હતા.

You might also like