બરફ ગોળા, શેરડીના રસ, જ્યૂસમાં અખાદ્ય બરફની જ બોલબાલા

અમદાવાદ: શહેરભરમાં પાણીજન્ય રોગચાળાએ કાળો કેર મચાવ્યો છે. ઠેર ઠેર ઝાડા-ઊલટી, કમળો, કોલેરા અને ટાઇફોઇડના કેસ જોવા મળી રહ્યા છે. પાણીજન્ય રોગચાળા માટે દૂષિત પાણી જવાબદાર હોવાનાં ગાણાં ગાઇને મ્યુનિ. કોર્પો.ના હેલ્થ અને ઇજનેર વિભાગ એકબીજા ઉપર દોષના ટોપલા ઢોળી રહ્યા છે, પરંતુ અમદાવાદીઓને મંદવાડમાં પટકાવી દેવાનું મહત્ત્વનું કારણ ઇન્ડ‌િસ્ટ્રયલ બરફ પણ છે. સત્તાવાળાઓની આંખ આડા કાન કરવાની નીતિના કારણે ઉનાળાની આ સિઝનમાં સમગ્ર અમદાવાદમાં છૂટથી ઇન્ડ‌િસ્ટ્રયલ બરફનો ઉપયોગ થઇ રહ્યો છે.

આકાશમાંથી અગનવર્ષા વરસી રહી હોય ત્યારે સ્વાભાવિકપણે ૪૮ થી પ૦ ડિગ્રી આકરી ગરમીમાં શેકાતા લોકોમાં ઠંડાં પીણાંની માગ વધી છે એટલે આ વખતે અમદાવાદમાં ગલીએ ગલીએ શેરડીના રસ, શિકંજી, આઇસડીસ, બરફના ગોળા અને જ્યૂસની હાટડીઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી છે.

જોકે આ તમામ ઠંડાં પીણાંમાં વપરાતા બરફની ગુણવત્તા સાવ હલકી કક્ષાની હોય છે. રે‌િસડેન્શિયલ બરફ કરતાં ઇન્ડ‌િસ્ટ્રયલ બરફ કિંમતમાં સસ્તો પડતો હોઇ વેપારીઓ બેરોકટોક ઇન્ડ‌િસ્ટ્રયલ બરફનો ઉપયોગ કરી રહ્યા છે. શેરડીનો રસ, શિકંજી, આઇસડીસ,  બરફના ગોળા, મેંગો જ્યૂસ વગેરેમાં નફાખોર વેેપારીઓ બિનધાસ્ત ઇન્ડ‌િસ્ટ્રયલ બરફનો ઉપયોગ કરતા હોઇ ગરમીમાં ટાઢક મેળવવા જતા લોકો જાણ્યે-અજાણ્યે ટાઇફોઇડ, કમળો, કોલેરા, ઝાડા-ઊલટી જેવા રોગોને આમંત્રણ આપી રહ્યા છે.

મ્યુનિ. કોર્પો.ના હેલ્થ વિભાગની ગુનાઇત બેદરકારીના કારણે શહેરમાં કાચા-પાકા મંડપ બાંધીને ‘રોકડી’ કરવા માટે નાગરિકોનાં ખિસ્સાં હળવા કરતા વેપારીઓ ઇન્ડ‌િસ્ટ્રયલ બરફ કે હલકી કક્ષાના બરફનો ઉપયોગ કરતા હોવા છતાં હજુ સુધી વાળ વાંકો થયો નથી. હેલ્થ વિભાગ હજુ પણ કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યું હોઇ મે મહિનામાં કોલેરાના પણ ૧પ કેસ નોંધાયા છે. ચાલં મહિનામાં કોલેરાથી એકનું મોત પણ થયું છે.

ખુદ મ્યુનિ. હેલ્થ વિભાગના ઇન્ચાર્જ વડા ડૉ. ભા‌િ‌વન સોલંકી કહે છે કે, ઇન્ડ‌િસ્ટ્રયલ બરફ અને રે‌િસડેન્શિયલ બરફ વચ્ચે માત્ર લેબલિંગનો ફરક હોય છે, બરફના રંગમાં પણ ફેરફાર કરાતો નથી, જેના કારણે સામાન્ય લોકો નજર સમક્ષ શેરડીના રસ કે મેંગો જ્યૂસમાં નખાતા બરફને ઓળખી શકતા નથી. પરિણામે નફાખોર વેપારીઓ ઇન્ડ‌િસ્ટ્રયલ બરફનો ઉપયોગ કરતાં અચકાતા નથી.

શહેરીજનોના આરોગ્ય સાથે ગંભીર રીતે ચેડાં કરતાે ઇન્ડ‌િસ્ટ્રયલ બરફ બનાવતી ફેક્ટરીઓનો વટવા, ઓઢવ, નરોડા જીઇઆઇડીસી વિસ્તારમાં ધમધમાટ જોવા મળે છે, જોકે તંત્ર દ્વારા હજુ સુધી એક પણ બરફની ફેકટરી પર દરોડો પાડવામાં આવ્યા નથી.

મ્યુનિ. કોર્પો.ના હેલ્થ વિભાગને સમગ્ર ઉનાળાની ધખધખતી ગરમીની સિઝનમાં છૂૂટથી વપરાયેલા ઇન્ડ‌િસ્ટ્રયલ બરફ સામે આકરાં પગલાં લેવાનું સૂઝ્યું નહીં અને હવે જ્યારે દશેક દિવસમાં શાળાઓ નવા શૈક્ષણિક સત્ર માટે ખૂલવાની છે તેમજ ઉનાળુ વેકેશન પતવા આવ્યું છે ત્યારે તંત્રને ઇન્ડ‌િસ્ટ્રયલ બરફ સામે ઝુંબેશ શરૂ કરવાનું સૂઝ્યું છે! હેલ્થના ઇન્ચાર્જ વડા ડૉ.ભાવિન સોલંકી કહે છે, આગામી બે-ચાર દિવસમાં ઇન્ડ‌િસ્ટ્રયલ બરફના બેરોકટોક ઉપયોગ સામે ઝુંબેશ શરૂ કરાશે!

રેસિડેન્શિયલ બરફને તૈયાર કરવા ખાસ આરઓનું પાણી જોઇએ. તેના માટે ક્લોરિનેશન પ્લાન્ટ જોઇએ. જ્યારે ઇન્ડસ્ટ્રિયલ બરફ બોરના પાણીથી જ તૈયાર કરાય છે એટલે ઈન્ડ‌િસ્ટ્રયલ બરફનું ૧૩૫ કિલોનું કેન રૂ. ૪૫૦ના ભાવે અને રેસિડેન્શિયલ બરફનું ૧૩૫ કિલોનું કેન રૂ. ૨૦૦થી ૨૫૦ના ભાવે પડે છે. આમ રેસિડેન્શિયલ બરફ કરતાં ઇન્ડસ્ટ્રિયલ બરફ ભાવમાં અડધોઅડધ સસ્તો પડે છે.

રેસિડેન્શિયલ બરફને આરઓના શુદ્ધ પાણીથી તૈયાર કરાતો હોઇ તે કાચ જેવો પારદર્શક હોય છે, જ્યારે ઇન્ડસ્ટ્રિયલ બરફ સફેદ રંગનો હોય છે, જોકે રંગના આટલા નાનકડા ફરકને નાગરિકો ઓળખી શકતા ન હોઇ શેરડીના રસવાળા સહિતના નફાખોર તત્ત્વો ઇન્ડસ્ટ્રિયલ બરફનો બેફામ ઉપયોગ કરે છે.

કોર્પોરેશનના ચોપડે નોંધાયેલી બરફની ફેકટરીઓ
ઝોન                 ફેક્ટરીની સંખ્યા
પૂર્વ                   ૮
દક્ષિણ               ૭
ઉત્તર                ૧૭
નવા પશ્ચિમ      ૦
પશ્ચિમ              ૦
મધ્ય                પ
કુલ                   ૩૯

બરફના નમૂનાની ચકાસણી અંગે બે મ્યુનિ. લેબમાં આંતરિક વિખવાદ!
હજુ તો બરફના નમૂના લેવાયા નથી, પરંતુ નવરંગપુરા સ્થિત પબ્લિક હેલ્થ લેબ અને દૂધેશ્વર સ્થિત સેન્ટ્રલ લેબોરેટરીના અધિકારીઓ વચ્ચે ગંભીર મતભેદો સર્જાયા છે. પબ્લિક હેલ્થ લેબના વડા ડૉ. અતુલ સોની સોય ઝાટકીને કહે છે, “બરફના નમૂનાની ચકાસણીનો વિષય સેન્ટ્રલ લેબનો છે. મારી લેબમાં આ કામગીરી થતી નથી. જ્યારે સેન્ટ્રલ લેબના વડા ડૉ.હીરેન સી. માંડલિયા કહે છે સેન્ટ્રલ લેબમાં શહેરીજનો પાસેથી નિયત ફી લઇને પીવાના પાણીના નમૂનાની ચકાસણી કરવા સહિત પાણીના સપ્લાય દરમ્યાન પાણીના નમૂનાઓની ચકાસણીની કામગીરી થાય છે, પરંતુ ફૂડ સેફટી એક્ટ હેઠળ બરફના નમૂનાની ચકાસણી તો પબ્લિક હેલ્થ લેબોરેટરીએ જ કરવાની હોય છે!”

સરખેજ, નોબલનગર, દૂધેશ્વર જેવા વિસ્તારોમાં પણ ઇન્ડ‌િસ્ટ્રયલ બરફ બનાવાય છે
વિભિન્ન પ્રકારના પ્રોસેસિંગની પ્રક્રિયા દરમ્યાન કૂલિંગ હેતુ ઉપયોગમાં લેવાતા ઇન્ડ‌િસ્ટ્રયલ બરફના ઉત્પાદન માટે કલો‌િરનેશન પ્લાન્ટની આવશ્યકતા હોતી નથી એટલે ઇન્ડ‌િસ્ટ્રયલ બરફના ધંધાર્થીઓની ફેકટરીઓ દૂધેશ્વર, સરખેજ અને નોબલનગર જેવા નોન જીઆઇડીસી વિસ્તારમાં પણ ધમધમે છે.

You might also like