ICC ટેસ્ટ રેન્કિંગઃ ભારતીય ટીમે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું, પાક. ચોથા સ્થાને પછડાયું

દુબઈઃ ઓસ્ટ્રેલિયા- દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાન શ્રેણી બાદ ટેસ્ટ રેન્કિંગમાં મોટા પાયે ફેરફાર થયા છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલ શ્રેણી ચાલી રહી છે અને આ શ્રેણીની મેચની રેન્કિંગ પરની અસર શ્રેણી બાદ પડશે. હાલ બે ટોચની ટીમ શ્રેણી હારી જતાં રેન્કિંગમાં મોટા ફેરફાર થયા છે, જ્યારે દક્ષિણ આફ્રિકાએ પોતાનાથી રેન્કિંગમાં ઉપર એવી ઓસ્ટ્રેલિયાને ટીમને શ્રેણીમાં ૨-૧થી હરાવી, જ્યારે ન્યૂઝીલેન્ડે બીજા સ્થાને રહેલી પાકિસ્તાનની ટીમને ૨-૦થી હરાવી દીધી.

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી શરૂ થતા પહેલાં ઓસ્ટ્રેલિયા ૧૦૮ પોઇન્ટ સાથે ત્રીજા નંબરે અને દ. આફ્રિકાની ટીમ ૯૬ પોઇન્ટ સાથે પાંચમા નંબર પર હતી. બે ટેસ્ટ જીતી લેવાને કારણે દક્ષિણ આફ્રિકાને છ પોઇન્ટનો ફાયદો થયો, પરંતુ તે હજુ પણ પાંચમા સ્થાને જ છે. ઓસ્ટ્રેલિયાને શ્રેણી હારી જવાને કારણે ત્રણ પોઇન્ટનું નુકસાન થયું અને હવેતે ૧૦૫ પોઇન્ટ સાથે ત્રીજા સ્થાન પર છે.

ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણી ૨-૦થી હારી જવાને કારણે પાકિસ્તાનને સાત પોઇન્ટનું જબરદસ્ત નુકસાન થયું છે અને તે વે ૧૦૨ પોઇન્ટ સાથે દક્ષિણ આફ્રિકાની ઉપર ચોથા સ્થાને સરકી ગયું છે. પાકિસ્તાનના નીચે જવાને કારણે ઈંગ્લેન્ડ હવે ૧૦૫ પોઇન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગયું છે. ન્યૂઝીલેન્ડને પાંચ પોઇન્ટનો ફાયદો થયો છે અને તે ૯૬ પોઇન્ટ સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. શ્રીલંકાના પણ ૯૬ પોઇન્ટ છે, પરંતુ તે સાતમા સ્થાન પર છે.

હવે ભારત જો ઈંગ્લેન્ડને ૪-૦થી હરાવી દેશે તો ઈંગ્લેન્ડની ટીમ ચોથા સ્થાને સરકી જશે અને ભારતીય ટીમ ૧૨૦ પોઇન્ટ સાથે અન્ય બધી ટીમો કરતાં ઘણી આગળ નીકળી જશે. ઈંગ્લેન્ડે બીજું સ્થાન જાળવી રાખવા માટે ભારત વિરુદ્ધ આગામી બંને ટેસ્ટ જીતવી પડે તેમ છે, પરંતુ આવી શક્યતાઓ ઘણી ઓછી છે. જ્યારે બીજી તરફ પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં રમવાની છે અને જે ટીમ આ શ્રેણી જીતશે તેનું બીજા સ્થાને પહોંચવું નક્કી છે. ભારતીય ટીમ હાલ નંબર વન પર જ છે.
http://sambhaavnews.com/

You might also like