ICCએ PCBને કહ્યુંઃ ભારતમાં રમો, નહીં તો લીગલ એક્શન માટે તૈયાર રહો

દુબઈઃ ભારતમાં ટી-૨૦ વર્લ્ડકપ દરમિયાન સુરક્ષા મુદ્દે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ની ચિંતાઓ પર આઇસીસીએ સખત વલણ અપનાવ્યું છે. આઇસીસીએ સ્પષ્ટ કરી દીધું છે કે ભારતે પૂરતી સુરક્ષાવ્યવસ્થા કરી છે. પાકિસ્તાને ટી-૨૦ વર્લ્ડકપમાં રમવું જ પડશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર આઇસીસીએ સ્પષ્ટ કરી દીધું છે કે પીસીબી સુરક્ષાની સુરક્ષા મુદ્દે ચિંતાઓ પાયાવિહોણી છે. બીસીસીઆઇએ ટી-૨૦ વર્લ્ડકપ માટે જે સુરક્ષાવ્યવસ્થા કરી છે તે સંપૂર્ણપણે યોગ્ય જ છે. આઇસીસી પણ એનાથી સંતુષ્ટ છે.

આઇસીસીએ કહ્યું છે કે પાકિસ્તાન આ ટૂર્નામેન્ટ નહીં રમે તો તેણે કાયદાકીય પગલાંનો સામનો કરવો પડશે. ઉલ્લેખનીય છે કે તા. ૮ માર્ચથી ટી-૨૦ વર્લ્ડકપ ભારતમાં શરૂ થઈ રહ્યો છે.  ટી-૨૦ વર્લ્ડકપમાં પોતાની ટીમને ભારત મોકલવાના મુદ્દે પાકિસ્તાનનાં બેવડાં વલણો સ્પષ્ટ જોવા મળી રહ્યાં છે. પાકિસ્તન સરકાર સાઉથ એશિયન ગેમ્સ (એસએજી)માં સામેલ થવા માટે ૧૦૦ એથ્લીટને ભારત આવવાની મંજૂરી આપી શકે છે તો ક્રિકેટ માટે આવી ચિંતાઓ શા માટે કરે છે?

ઇસીસીના એક અધિકારીએ કહ્યું કે જો પાકિસ્તાનના એથ્લીટ ભારત આવીને રમે છે અને આસાનીથી એસએજીમાં ભાગ લઈ શકે છે તો પછી ૨૦ ક્રિકેટ ખેલાડીને પાક. સરકાર શા માટે મંજૂરી નથી આપતી? જોકે પીસીબી તરફથી કહેવામાં આવ્યું છે કે ટીમ મોકલવા અંગે તેઓ પર આઇસીસીનું કોઈ જ દબાણ નથી અને અંતિમ નિર્ણય સંપૂર્ણપણે સરકારની મંજૂરી પર જ નિર્ભર રહેશે.

પીસીબીને આઠ માર્ચથી શરૂ થઈ રહેલી આ પ્રતિષ્ઠિ ટૂર્નામેન્ટ માટે સરકારની મંજૂરીનો ઇંતેજાર છે. પીસીબીના એક અધિકારીએ કહ્યું કે હજુ સુધી આઇસીસીએ અમને આવું કંઈ કહ્યું નથી અને તાજેતરમાં આઇસીસીની બેઠકમાં પણ આ અંગે કોઈ ચર્ચા થઈ નથી. એ બેઠકમાં અમે ભારતમાં પાકિસ્તાની ખેલાડીઓની સુરક્ષા અંગે અમારી ચિંતા વ્યક્ત કરી હતી.

પીસીબીનો આ જવાબ એ તમામ અહેવાલોની પ્રતિક્રિયા છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે આઇસીસીએ ટૂર્નામેન્ટમાંથી હટી જવા બદલ પીસીબીને કાયદાકીય પગલાં લેવાની ચેતવણી આપી હતી. પીસીબીના અધિકારીએ એ વાતનો સ્વીકાર કર્યો કે જો સરકાર સુરક્ષા કારણોથી પાક. ટીમને ભારતમાં રમવાની મંજૂરી નહીં આપે તો પછી પીસીબી કંઈ કરી શકશે નહીં.

You might also like