ICCમાં પોતાનું વલણ બદલી શકે છે BCCI

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના અધ્યક્ષ શશાંક મનોહરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ચેરમેન બન્યા બાદ ‘બિગ થ્રી’ને બદલવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એન. શ્રીનિવાસનના કાર્યકાળ દરમિયાન આઇસીસીમાં ત્રણ મોટા ક્રિકેટ દેશ ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડને કાર્યકારી અને નાણાકીય અધિકાર મળી ગયા હતા. શ્રીનિવાસનના કટ્ટર વિરોધી મનોહરે આઇસીસી અધ્યક્ષ બન્યા બાદ પહેલી બેઠકમાં વર્તમાન ઢાંચામાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

ત્યાર બાદ ભારતને આઇસીસી પાસેથી થનારી આવકમાં મોટો કાપ આવશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું, પરંતુ બીસીસીઆઇ આ દલીલને માનવા તૈયાર નહોતું. હવે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત લોઢા સમિતિની ભલામણો લાગુ કરવાના સંકેતો બાદથી બોર્ડે પોતાની રણનીતિ પર પુનઃવિચાર કરવાનું શરૂ કરી દીધું છે. જો લોઢા સમિતિની ભલામણો લાગુ થઈ જશે તો બીસીસીઆઇને જાહેરાત દ્વારા મળતી આવકમાં જબરદસ્ત કાપ આવશે અને આ નુકસાનને દૂર કરવા માટે બોર્ડ બિગ થ્રી પર પોતાના નિર્ણય પર પુનઃિવચાર કરી રહ્યું છે.

બીસીસીઆઇના એક ટોચના અધિકારીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ તરફથી અમને જે રીતના સંકેતો મળી રહ્યા છે તેના કારણે અમારે અમારી રણનીતિ બદલવી પડશે. જો લોઢા સમિતિની મેચ દરમિયાન જાહેરાત દેખાડવાની ભલામણ લાગુ થશે તો અમારી આવકમાં જબરદસ્ત કાપ આવશે.

બોર્ડ અધ્યક્ષ શશાંક મનોહરે જ આઇસીસી સમક્ષ બિગ થ્રી વ્યવસ્થાને ખતમ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો તો બોર્ડે કહ્યું કે આ અંગે આગામી જૂનમાં નિર્ણય થવાનો છે. અમે બિગ થ્રી વ્યવસ્થા ખતમ કરવા માટે મક્કમ છીએ, પરંતુ એ વહીવટી સ્તરની હશે. એટલે કે હાલમાં ફક્ત ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને આઇસીસી અંગેના બધા નિર્ણય લેવાનો અધિકાર છે. બીસીસીઆઇ એ પક્ષામાં છે કે આઇસીસીના ટેસ્ટ ક્રિકેટ રમતા દસ સભ્ય દેશ દરેક નિર્ણયોમાં ભાગીદાર બને, પરંતુ જ્યાં સુધી આ‍વકની ભાગીદારીની વાત છે, તો તેમાં અમે હવે કોઈ કાપ સહન કરવાની સ્થિતિમાં નથી.

અમે નથી ઇચ્છતા કે આઇસીસી તરફથી મળનારી આવકમાં કોઈ કમી આવે. અમે કંઈક આવો જ પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેનાથી ટેસ્ટ રમતા દસ દેશ, એસોસિયેટ દેશને તો પર્યાપ્ત નાણાં મળે જ, પરંતુ ભારતને મળી રહેલી રકમમાં કોઈ કાપ ના આવે. આના માટે બીસીસીઆઇએ એક ફોર્મ્યુલા તૈયાર કરી છે, જેને આઇસીસી સમક્ષ રજૂ કરાશે.

મનોહરનું સ્થાન પવાર લેશે?
લોઢા સમિતિની ભલામણો અને આઇસીસીના સ્વતંત્ર અધ્યક્ષપદની ચૂંટણીને કારણે શશાંક મનોહર જો બીસીસીઆઇના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દેશે તો તેના સ્થાને શરદ પવાર આ પદના દાવેદાર બની શકે છે. ફેબ્રુઆરીમાં આઇસીસીએ કહ્યું હતું કે બોર્ડે સર્વસંમતિથી પૂર્ણ પરિષદ સામે આ પ્રસ્તાવ રાખવા મંજૂરી આપી છે કે જૂન ૨૦૧૬થી બે વર્ષ માટે નવા અધ્યક્ષને પસંદ કરવામાં આવે. આના માટે આઇસીસીની સ્વતંત્ર ઓડિટ કમિટીના અધ્યક્ષના નિરીક્ષણમાં ગુપ્ત મતદાનની પ્રક્રિયા થશે. આઇસીસી અધ્યક્ષ એક પણ સભ્ય બોર્ડમાં કોઈ હોદ્દો સ્વીકારી નહીં શકે અને કાર્યકાળ ખતમ થયા બાદ ફરીથી ચૂંટાઈ શકે છે, પરંતુ વધુમાં વધુ કાર્યકાળ ત્રણ વારનો જ હશે.

You might also like