ICC પર દબાણ લાવવા BCCI સ્ટાર સ્પોર્ટ્સનો ઉપયોગ કરી રહી છે?

મુંબઈઃ ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનને લઈ કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ વિરાટ કોહલીની ટીમ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે કે નહીં એ અંગે ચાલી રહેલું સસ્પેન્સ ખતમ થવાનું નામ લેતું નથી. એક તરફ બીસીસીઆઇના કેટલાક અધિકારી આ ટૂર્નામેન્ટમાં ભાગ નહીં લેવાનું નક્કી કરી ચૂક્યા છે ત્યારે ક્રિકેટ સંચાલક સમિતિ એવું નથી ઇચ્છતી કે એવો કોઈ નિર્ણય લેવામાં આવે કે જેથી ભારતીય ક્રિકેટને નુકસાન થાય છે. સૂત્રોની વાત માનીએ તો બીસીસીઆઇએ આઇસીસી પર દબાણ લાવવા માટે ટૂર્નામેન્ટનું પ્રસારણ કરનારી સ્ટાર સ્પોર્ટ્સનો ઉપયોગ કરવાનું પણ ચૂકી નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે સ્ટાર સ્પોર્ટ્સે સત્તાવાર પત્ર લખીને એ આશ્વાસન માગ્યું છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમની હાજરી અંગે સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં રમાતી તમામ મેચોના પ્રસારણ અધિકાર પણ સ્ટાર પાસે જ છે અને બીસીસીઆઇ સાથે ચેનલના સંબંધો ઘણા સારા છે, પરંતુ સ્ટારની મુશ્કેલી એ છે કે જો કોહલીની ટીમ ઈંગ્લેન્ડ નહીં જાય તો તેને પણ નાણાકીય નુકસાન થશે જ.

દર વર્ષે વધારાની ફક્ત ત્રણ વન ડે રમે તો પણ નુકસાન ભરપાઈ થઈ જાય
બિગ થ્રીની આવકની ફોર્મ્યુલા અને આઇસીસીના નવા પ્રસ્તાવથી ભારતને આઠ વર્ષમાં લગભગ ૮૦૦ કરોડનું નુકસાન થઈ શકે છે એટલે કે દર વર્ષે ૧૦૦ કરોડ. બીસીસીઆઇ વધારાની ફક્ત ત્રણ વન ડે કે ટી-૨૦ મેચનું આયોજન કરીને આ નુકસાન આસાનીથી ભરપાઈ શકે છે. હવે સવાલ એ ઊઠી રહ્યો છે કે બીસીસીઆઇ આ મુદ્દાને પ્રતિષ્ઠાનો પ્રશ્ન શા માટે બનાવી રહી છે?

કોહલી-કુંબલે સાથે ચર્ચા પણ નથી થઈ
આશ્ચર્યની વાત એ છે કે આટલા સંવેદનશીલ મુદ્દા પર બીસીસીઆઇના અધિકારીઓએ ના તો કેપ્ટન કોહલી કે ના તો મુખ્ય કોચ અનિલ કુંબલે સાથે ચર્ચા કરવાનું ઉચિત સમજ્યું છે. આખરે ચેમ્પિયન્સ ટ્રોફીમાં નહીં રમવાથી સૌથી મોટું નુકસાન તો ખેલાડીઓને જ થવાનું છે એટલું જ નહીં, જો ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં ના રમે તો ભવિષ્યમાં ટીમ ઇન્ડિયા બે વર્લ્ડકપમાં પણ રમી નહીં શકે. શું કોહલી અને તેના ખેલાડી આવા નિર્ણયનું સમર્થન કરે ખરા? સ્પષ્ટ વાત છે કે તેઓ આવા નિર્ણયનું સમર્થન ના જ કરે. એવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે બીસીસીઆઇના કેટલાક અધિકારીઓ પોતાના અહં સંતોષવા જ આ બધી બબાલ ઊભી કરી રહ્યા છે અને ક્રિકેટની દુનિયામાં ભારતની છબીને નુકસાન પહોંચાડી રહ્યા છે.

http://sambhaavnews.com/

You might also like