ICCએ હેલ્મેટની સુરક્ષા માટે નવા નિયમો બનાવ્યા

દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)એ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ દરમિયાન બેટ્સમેનોની હેલ્મેટ સુરક્ષા માટે નવા નિયમોની જાહેરાત કરી છે. આ નવા નિયમ અંતર્ગત કોઈ પણ ખેલાડીએ બેટિંગ દરમિયાન હેલ્મેટ પહેરવી ફરજિયાત નહીં હોય, પરંતુ જો બેટ્સમેન હેલ્મેટ પહેરશે તો તે સુરક્ષા નિયમોને અનુરૂપ હોવી જોઈશે. આ નવા નિયમો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આગામી તા. ૧ ફેબ્રુઆરીથી અમલી બની જશે.

ખેલાડી પહેલી બે આંતરરાષ્ટ્રીય મેચોમાં જો સખત સુરક્ષા નિયમો અનુસાર હેલ્મેટ નહીં પહેરે તો સત્તાવાર રીતે એક વાર ચેતવણી અપાશે. ત્રીજી વાર જો ખેલાડી નિયમોનું ઉલ્લંઘન કરશે તો એ ખેલાડીને એક મેચ માટે પ્રતિબંધિત કરી દેવાશે. આઇસીસી ક્રિકેટ સમિતિ દ્વારા ગત વર્ષે જૂનમાં મળેલી બેઠકમાં આ નવા નિયમો અંગેનું સૂચન કરાયું હતું. આઇસીસીના અધિકારી જ્યોફ એલાર્દિસે કહ્યું કે આ નવા નિયમોનું લક્ષ્ય બધા ખેલાડીઓ માટે સૌથી સુરક્ષિતા હેલ્મેટ ઉપલબ્ધ કરાવવાનું છે.

એલાર્દિસે કહ્યું, ”અમારી પ્રાથમિકતા છે કે બધા બેટ્સમેન સૌથી સુરક્ષિત હેલ્મેટ પહેરે. એવું જોવા મળી રહ્યું છે કે મોટા ભાગના આંતરરાષ્ટ્રીય ખેલાડી જાન્યુઆરી-૧૭થી એવી હેલ્મેટ પહેરી રહ્યા છે, જે સંપૂર્ણપણે સુરક્ષિત નથી. નવા નિયમો લાગુ કરવા માટે કેટલીક ટીમોએ થોડા વધુ સમયની માગણી કરી છે. આ અંતર્ગત બધી ટીમને પર્યાપ્ત સમય આપવામાં આવ્યો છે. આ સમય સમાપ્ત થયા બાદ નિયમોનો સખતપણે અમલ કરાશે.”
http://sambhaavnews.com/

You might also like