NDTVના પ્રસારણ પર એક દિવસના પ્રતિબંધના નિર્ણયને સરકારે અટકાવ્યો

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે હિન્દી ન્યૂઝ ચેનલ એનડીટીવી ઇન્ડિયાનાં પ્રસારણ પર લગાવેલ પ્રતિબંધના નિર્ણય મુદ્દે પારોઠનાં પગલા ભર્યા છે. સરકારે હાલ પોતાનાં આદેશને સ્થગિત કર્યા છે. પીટીઆઇએ અધિકારીક સુત્રોનાં હવાલાથી સોમવારે સાંજે આ અંગેની જાણકારી આપી હતી. જાણકારી અનુસાર સુચના અને પ્રસારણ મંત્રાલયનો આ નિર્ણય લીધો છે.

અગાઉ સરકારે ચેનલને 9 નવેમ્બરે એક દિવસ માટે ઓફ એર કરવાનો આદેશ આપ્યો હતો. ચેનલ પર આ પ્રતિબંધના કારણે આ વર્ષે જાન્યુઆરીમાં પંજાબના પઠાણકોટ ખાતેનાં એરબેઝ પર થયેલા આતંકવાદી હૂમલા દરમિયાન પ્રસારણ નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. સરકારનાં આ નિર્ણયની વિરુદ્ધ NDTV ઇન્ડિયાએ સોમવારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. ચેનલનું કહેવું છે કે આ પ્રતિબંધ બિલ્કુલ અસંવૈધાનિક અને બિનકાયદેસર છે.

સરકારનું કહેવું છે કે ચેનલે પઠાણકોટ હૂમલાના કવરેજ દરમિયાન કેટલીક સંવેદનશીલ માહિતીજાહેર કરી દીધી હતી. જેનો ઉપયોગ હૂમલામાં સંડોવાયેલા આતંકવાદીઓના હેન્ડલર્સ કરી શકતા હતા. આ મુદ્દે તપાસ માટે બનાવાયેલી કમિટીએ સ્વિકાર્યું કે કવરેજ દરમિયાન એનડીટીવી ઇન્ડિયાએ એરબેઝમાં રહેલા હથિયારોની જાણકારી આપી હતી.

જે સમયે એરબેઝમાં ઓપરેશન ચાલી રહ્યું હતુ, તે દરમિયાન ચેનલે પોતાનાં રિપોર્ટમાં જણાવ્યું હતું કે ત્યાં હથઇયારો ઉફરાંત એમઆઇજી, ફાઇટર પ્લેન, રોકેટ લોન્ચર્સ, મોર્ટાર, હેલિકોપ્ટર અને ફ્યુલ ટેન્ક પણ રાખેલી છે. કમિટીએ આ પ્રકારનાં કવરેજને દેશની સુરક્ષા સાથે ચેડા ગણાવ્યા હતા. આ સમિતીનાં અહેવાલ બાદ જ સુચના અને પ્રસારણ મંત્રાલયે કેબલ ટીવી નેટવર્ક અધિનિયમ હેઠળ પોતાની શક્તિઓનો ઉપયોગ કરતા સમગ્ર દેશમાં 9 નવેમ્બર, 2016એ રાત્રે 12.01 વાગ્યાથી 10 નવેમ્બર 12.01 વાગ્યા સુધી પ્રસારણ પર પ્રતિબંધ લગાવ્યો હતો.

You might also like