સીમાડા સીલ : કચ્છમાં શંકાસ્પદ આતંકવાદી મળ્યા બાદ એલર્ટ

અમદાવાદ : કચ્છ સહિતનાં દરિયાને લાગતા સિમાડાઓ પરથી લશ્કર એ તોયબાનાં આતંકવાદીઓની ઘૂસણખોરીનું એલર્ટ આઇબી દ્વારા આપવામાં આવ્યું છે. જેનાં પગલે સમગ્ર તંત્ર દોડતું થઇ ગયું છે. તમામ ઉચ્ચ અધિકારીઓની રજા રદ્દ કરી દેવામાં આવી છે. એલર્ટનાં પગલે કોસ્ટગાર્ડને એલર્ટ રહેવાની સાથે સાથે પેટ્રોલિંગમાં પણ વધારો કરી દેવાની સુચના અપાઇ છે. ગુજરાતનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં પોલીસને પણ એલર્ટ રહેવાની સુચનાં અપાઇ છે.

આઇબીનાં એલર્ટ બાદ દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ચેકિંગ સધન કરી દેવામાં આવ્યું છે. વલસાડ અને નવસારી જિલ્લામાં નાકાબંધી વધારી દેવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ચાંપતો પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.પોલીસને પણ કોઇ ઘટનાં હળવામાં નહી લેવા અને તમામ સોર્સને એક્ટિવ કરી દેવા માટેની સૂચના આપી દેવાઇ છે. અત્રે નોંધનીય છે કે સવારે જ કચ્છ જિલ્લાનાં કોટેશ્વર ક્રિક પાસેથી એક પાકિસ્તાની બોટ બિનવારસી હાલતમાં મળી આવી હતી.

હાલમાં ગુજરાતમાંથી ઘૂસણખોરી અને જાસુસીની ઘટનાઓમાં અચાનક વધારો થઇ ગયો છે. આજે ભૂજનાં આર્મી કેમ્પમાંથી પણ એક વ્યક્તિ જાસુસી કરતો મળી આવ્યો હતો. તેની પાસેથી મળી આવેલા મોબાઇલમાં આર્મી કેમ્પનાં વિવિધ એન્ગલથી પાડેલા ફોટા મળી આવ્યા હતા. આઇબીનો અહેવાલ છે કે શિવરાત્રી અને બજેટ સત્રને ધ્યાનમાં લઇને એલર્ટ આપવમાં આવ્યું છે. આતંકવાદીઓ માટે આ બંન્ને સોફ્ટ ટાર્ગેટ હોઇ શકે છે. આઇબી એલર્ટ બાદ બીએસએફ દ્વારા પણ સુરક્ષામાં વધારો કરી દેવાયો છે.

You might also like