IAS-IPS અધિકારીઓ ભોંઠા પડ્યા

રાજ્ય સરકારે સફળતાપૂર્વક શાળા પ્રવેશોત્સવ પૂરો કર્યાનો દાવો કર્યો. જોકે ૧૪મા શાળા પ્રવેશોત્સવની પોલ કેટલાક આઈએએસ-આઈપીએસ અધિકારીઓએ ખોલી દીધી. શાળા પ્રવેશોત્સવ પૂરો થયા બાદ સિનિયર અધિકારીઓ પોતાના ગ્રૂપમાં ચર્ચા દ્વારા અનુભવો વ્યક્ત કરી રહ્યા છે. સચિવાલયના એક અધિક મુખ્ય સચિવકક્ષાના જ અધિકારીએ બળાપો કાઢતાં કહ્યું, ‘પોતે જે વિસ્તારની સ્કૂલમાં ગયા ત્યાં વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા પૂરી વાંચતા શિક્ષકો શીખવી શક્યા જ નથી.

ગણિતમાં તો વિદ્યાર્થીઓ ઘડિયા પણ બોલી શકતા નથી.’ જ્યારે બીજા એક સિનિયર અધિકારીએ તો ત્યાં સુધી કહ્યું કે, ‘સરકારે મોટી ભૂલ કરી છે. વિદ્યાર્થીઓના શાળા પ્રવેશોત્સવ કે ગુણોત્સવને બદલે શિક્ષકોનો જ ગુણોત્સવ કર્યો હોત તો ૧૪મા વર્ષે પરિણામ ચોક્કસ મળ્યું હોત.’ તેમણે બળાપો કાઢતાં કહ્યું કે, કૂવામાં હોય તો હવાડામાં આવે. એટલે કે શિક્ષકોને જ પૂરતું જ્ઞાન ન હોવાના કિસ્સા શાળા પ્રવેશોત્સવમાં ગયેલા અધિકારીઓની સામે આવ્યા છે.

પ્રવેશોત્સવ પૂરો કરીને આવેલા એક સિનિયર આઈપીએસ અધિકારી સચિવાલયમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં મળવા આવ્યા. તેઓ સાથે થયેલી વાતચીતમાં ચોંકાવનારાં તથ્યો પણ બહાર આવ્યાં છે. તેમના મતે સરકાર આવા ૫૦ પ્રવેશોત્સવ કરશે તો પણ વિદ્યાર્થીઓને અભ્યાસમાં હોશિયાર કરી શકાશે નહિ, કારણ કે પ્રવેશોત્સવ દરમિયાન શાળાની છાપ ખરાબ ન પડે તે માટે શાળાના આચાર્યો અને જિલ્લા કક્ષાનું વહીવટી તંત્ર ખૂબ કાળજી લે છે.

તેઓ જે શાળામાં ગયા ત્યાં વર્ગમાં સંખ્યા કરતાં ઓછા વિદ્યાર્થીઓ હાજર હોવા અંગે પુછાયું કે બાકીના વિદ્યાર્થીઓ ક્યાં ગયા, તો શિક્ષકે કહ્યું કે, તેઓ આજે આવ્યા નથી, પરંતુ વર્ગનો જ એક વિદ્યાર્થી બોલી ઊઠ્યો કે, અમારા સાહેબે જ તેમને ત્રણ દિવસ શાળાએ આવવાની ના પાડી હતી. આવા અનેક અનુભવો રાજ્યના અધિકારીઓને થયા છે, જેથી અધિકારીઓનો એક વર્ગ આવા કાર્યક્રમોનો વિરોધ કરી રહ્યો છે. જોકે સરકારમાં બોલે કોણ. અધિકારીઓ પણ ગુણોત્સવમાં વિદ્યાર્થીઓની જેમ મૌન રહેવાને જ પોતાનો સદગુણ ગણી રહ્યા છે.

રાજ્યમાં ઇબીસીના અમલ માટે સૌની નજર કોર્ટ પર…
સરકારે રાજ્યમાં આર્થિક રીતે પછાત વર્ગના સવર્ણ માટે ૧૦ ટકા અનામતની અમલવારી શરૂ કરી દીધી છે. શૈક્ષણિક સત્ર શરૂ થતાં તેનો અમલ પણ શરૂ કરાયો. જોકે હાલમાં જ ગુજરાત હાઈ કોર્ટમાં ઇબીસીના અમલ સામે અનેક પિટિશન દાખલ થઈ છે અને હજુય અનેક સંગઠનો મેદાનમાં આવશે તેવી શક્યતા છે. હાઈ કોર્ટે અત્યાર સુધીમાં આવેલી તમામ પિટિશનને દાખલ કરી વધુ સુનાવણી ૨૨મી જૂન પર રાખી છે. સરકારનો કાયદા વિભાગ પણ હાઈ કોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારીમાં છે. સચિવાલયમાં ચાલતી ચર્ચા મુજબ ૨૨ જૂન કે તે પછી હાઈ કોર્ટ દ્વારા ઇબીસીના અમલની વિરુદ્ધમાં નિર્ણય આવે તો તે ચુકાદા સામે તાત્કાલિક સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવશે. આ માટે સરકારે સુપ્રીમ કોર્ટના વકીલોની પેનલનો પણ સંપર્ક કર્યો હોવાની ચર્ચા છે.

સરકાર સારી રીતે જાણે છે કે, ઇબીસીનો અમલ કરવો સરળ નથી. કાયદા વિભાગના ઉચ્ચ અધિકારીઓના મતે રાજ્ય સરકાર ગમે તે સંજોગોમાં ઇબીસીના અમલની દિશામાં આગળ વધી રહી છે. કોર્ટમાં પોતાની વિરુદ્ધમાં ચુકાદો આવે તો કાયદાકીય રીતે પડકારીને વધુમાં વધુ સમય આ મુદ્દાને કોર્ટમાં રાખી મૂકવો, જેથી રાજકીય લાભ કરતાં વિરોધનો સામનો ઓછો કરવો પડે.

પાટીદારોના આંદોલનના એપી સેન્ટરમાં ભાજપની કારોબારી
ભાજપની રાષ્ટ્રીય કારોબારી અલ્હાબાદમાં મળ્યા બાદ હવે પ્રદેશ ભાજપની કારોબારી યોજાઈ રહી છે. રાષ્ટ્રીય કક્ષાએ પસાર કરેલા ઠરાવોનું અનુમોદન આપવા આ બેઠક યોજવાની ભાજપની પરંપરા રહી છે, જે અંતર્ગત આ વખતે બે દિવસીય બેઠક માટે પ્રદેશ ભાજપે મહેસાણાની સ્થળ પસંદગી કરી છે.

રાજ્યમાં ચાલતા પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર મહેસાણા જ હતું, એટલે રાજકીય રીતે ભાજપ દ્વારા મહેસાણાની પસંદગી થઈ હોવાની ચર્ચા છે. સચિવાલયમાં ચાલતી ચર્ચા મુજબ ભાજપનું સૌથી વધુ ધોવાણ ઉત્ત્।ર ગુજરાતમાં થયું છે. આથી ભાજપ અહીં પોતાનો ગઢ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી પહેલા પાછો લેવા માગે છે. મહેસાણામાં પાટીદારોના વિશેષ મતો હંમેશાં ભાજપ સાથે રહ્યા છે.

જોકે પાટીદાર આંદોલનને કારણે ચિત્ર બદલાયું હતું. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં ઉત્ત્।ર ગુજરાતમાં ભાજપનું ધોવાણ થયું હતું, જેથી અહીં ફરી કેસરિયો લહેરાવવા પ્રદેશ ભાજપ મહેસાણામાં ચિંતન કરશે. આ માટે એક પ્લાન મુજબ બેઠકમાં ભાગ લેનારા તમામ નેતાઓ મહેસાણા અને આસપાસના વિસ્તારોમાં રહેતા ભાજપના આગેવાનો કે પાટીદાર મોભીઓના નિવાસે રોકાણ કરશે, જેથી થયેલા મનદુઃખને ભુલાવી શકાય.

હિતલ પારેખ

You might also like