ઇતિહાસના પાનેથી…: 1982: ઈયાન બોથમે ગાવસ્કરના પગનું હાડકું તોડી નાખ્યું

થોડા મહિના પહેલાં જ ભારતનો પ્રવાસ કરનારી ઈંગ્લેન્ડની ટીમને ટેસ્ટ અને વન ડે શ્રેણીમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. એ હારનો બદલો ઇંગ્લિશ ટીમે ૧૯૮૨ની પોતાની ઘરેલુ શ્રેણીમાં લીધો. ભારતીય ટીમને એ પ્રવાસ પર યજમાન ટીમે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં ૧-૦થી અને બે મેચની વનડે શ્રેણીમાં ૨-૦થી પરાજય આપ્યો.

લોર્ડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં દિલીપ વેંગસરકરની સદી છતાં ભારત એ ટેસ્ટ સાત વિકેટે હારી ગયું. માન્ચેસ્ટરમાં રમાયેલી બીજી ટેસ્ટ વરસાદના કારણે ડ્રો રહી, જેમાં ભારત તરફથી સંદીપ પાટીલ અને ઈંગ્લેન્ડ તરફથી ઇયાન બોથમે સદી ફટકારી.

ઓવલમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં બોથમે ટેસ્ટ ક્રિકેટના સૌથી ઝડપી બેવડી ફટકારી, પરંતુ એ મુકાબલો ડ્રો રહ્યો. ઇનિંગ્સ દરમિયાન બોથમે પોતાના શક્તિશાળી શોટથી ભારતના કેપ્ટન સુનીલ ગાવસ્કરના પગનું હાડકું તોડી નાખ્યું હતું. શ્રેણીમાં ૨૯૨ રન અને ૧૦ વિકેટ ઝડપનારા કપિલદેવને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ જાહેર કરવામાં આવ્યો હતો.

1986: ભારતીય ટીમ માટે ઐતિહાસિક પ્રવાસ સાબિત થયો
૧૯૮૬ના ઈંગ્લેન્ડ પ્રવાસ વખતે કપિલદેવના નેતૃત્વમાં ભારતીય ટીમે ઇતિહાસ રચી દીધો. ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતે શરૂઆતની બંને ટેસ્ટ જીતી લઈને શ્રેણી પોતાના નામે કરી લીધી. પાછલા બે પ્રવાસથી લોર્ડ્સમાં સદી ફટકારનારા દિલીપ વેંગસરકરે ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સમાં ત્રીજી સદી ફટકારી, પરંતુ આ વખતે તેની મહેનત બેકાર નહોતી ગઈ.

ચેતન શર્માની પાંચ વિકેટની મદદથી ભારતે પહેલી ટેસ્ટ જીતી લીધી. બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડની બોલિંગ સામે વેંગસરકરે પહેલી ઇનિંગ્સમાં ૬૧ રન અને બીજી ઇનિંગ્સમાં શાનદાર સદી (૧૦૨) ફટકારી અને ભારતને ૨૭૯ રનથી મોટી જીત અપાવીને શ્રેણીમાં નિર્ણાયક સરસાઈ અપાવી.

એ જીતમાં રોજર બિન્નીની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી, જેણે પહેલી ઇનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપી. ઈંગ્લેન્ડની પહેલી ઇનિંગ્સ માત્ર ૧૦૨ રનમાં જ સમેટાઈ ગઈ હતી. શ્રેણીની ત્રીજી ટેસ્ટ ડ્રો રહી હતી.

1990: સચીનની પ્રથમ ટેસ્ટ સદી
૧૯૯૦માં ભારતીય ટીમનો ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં ૧-૦થી પરાજય થયો હતો. શ્રેણીની પ્રથમ જ ટેસ્ટમાં ઇંગ્લિશ કેપ્ટન ગ્રેહામ ગૂચે ત્રેવડી સદી ફટકારીને સનસનાટી મચાવી દીધી હતી. બીજી ઇનિંગ્સમાં પણ તેણે સદી ફટકારી, જેના કારણે ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ ટેસ્ટ મેચ જીતી લીધી.

પ્રથમ ટેસ્ટ બાદ ભારતીય કેપ્ટન મોહંમદ અઝહરુદ્દીને સતત બીજી ટેસ્ટમાં સદી ફટકારી, પરંતુ એ ટેસ્ટમાં ૧૭ વર્ષીય સચીન તેંડુલકર સમાચારોમાં ઝળક્યો હતો, જેણે પોતાની કરિયરની પહેલી ટેસ્ટ સદી ફટકારી. સચીનની સદીના દમ પર ભારત એ ટેસ્ટ ડ્રો કરવામાં સફળ રહ્યું.

ત્યારબાદ રવિ શાસ્ત્રીની સદીને કારણે ભારત ત્રીજી ટેસ્ટ ટેસ્ટમાં ઘણી મજબૂત સ્થિતિમાં હતું, પરંતુ ડેવિડ ગોવરની સદીના દમ પર ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ ડ્રો કરાવવામાં સફળ રહ્યું હતું.

You might also like